ગાંધીનગરઃ રાજ્યમાં કોઈને કોઈ શહેરમાં દરરોજ દુષ્કર્મ, હત્યાના બનાવ સામે આવે છે. ગુજરાત વિધાનસભામાં આજે આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત શહેરમાં ગુનેગારોને પકડવાનો પ્રશ્ન પૂછ્યો હતો.
અમિત ચાવડાએ શું કર્યા સવાલ
અમિત ચાવડાએ પૂછ્યું કે, તા.31/07/2026ની સ્થિતિએ અમદાવાદ શહેર - સુરત શહેરમાં છેલ્લા એક વર્ષમાં ચોરી, લૂંટ, બળાત્કાર, હત્યા, છેડતી, અપહરણ, ખંડણી, દારૂ - જુગાર, સાયબર ફ્રોડની કેટલી ફરિયાદો નોંધાઈ ? ઉકત સ્થિતિએ કેટલા ગુનેગારોને પકડવામાં આવ્યા અને કેટલાને પકડવાના બાકી છે, અને બાકી ગુનેગારોને પકડવા શું કાર્યવાહી કરવામાં આવી?
સરકારે શું આપ્યો જવાબ
અમિત ચાવડાના સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, અમદાવાદમાં ચોરીના 2860, લૂંટના 56, બળાત્કારના 289, હત્યાના 83, છેડતીના 117, અપહરણના 225, ખંડણીના 10, દારૂના 12,889, જુગારના 1495 અને સાયબર ફ્રોડના 495 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં ચોરીના 1275, લૂંટના 54, બળાત્કારના 331, હત્યાના 115, છેડતીના 134, અપહરણના 297, ખંડણીના 108, દારૂના 8556, જુગારના 1137 અને સાયબર ફ્રોડના 333 કેસ નોંધાયા હતા.
ઉપરોક્ત સ્થિતિએ 38,877 ગુનેગારોનો પકડવામાં આવ્યા હતા, જ્યારે 725 ગુનેગારો પકડવાના બાકી છે. બાકી ઇસમોને પકડવા, મિત્ર વર્તુળ / સગા સંબંધીઓમાં તપાસ કરાવવામાં આવી છે, મોબાઇલ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપીઓ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ બાતમીદારો થકી પણ આરોપીઓની તપાસ કરવામાં આવી છે.
સાયબર ફ્રોડને લગતા બાકી ગુનેગારોને પકડવા માટે, બેંક કેવાયસી, બેંક સ્ટેટમેન્ટ તેમજ સ્ટેટમેન્ટમાં થયેલા ટ્રાન્જેક્શનોની વિગતો, મોબાઇલ એસ.ડી.આર, સી.ડી.આરની વિગતો, આઈ.પી એડ્રેસના આધારે આરોપીની તપાસ કરવામાં આવી છે .રાજ્ય બહારના આરોપીઓ માટે તેમના મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટનું સતત ટેકનિકલ એનાલિસિસ કરી, અલગ અલગ રાજ્યોમાં અવાર-નવાર ટીમ મોકલી અને અન્ય રાજ્યની પોલીસની મદદ મેળવી તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશમાં નાસી ગયેલા આરોપીઓને પકડી પાડવા લુક આઉટ સરર્ક્યુલર કઢાવવામાં આવ્યા છે.