Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં ધોળે દિવસે પ્રેમ સંબંધની અદાવતમાં પાટણના યુવક પર ફાયરિંગથી ફફડાટ!

2026-02-15 16:38:00
Author: Devayat Khatana
અમદાવાદમાં ધોળે દિવસે પ્રેમ સંબંધની અદાવતમાં પાટણના યુવક પર ફાયરિંગથી ફફડાટ!

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી અને ઉગતી બંગલો ચાર રસ્તા પાસે ધોળા દિવસે ગોળીબારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. મોન્ટુ દેસાઈ નામના યુવકે પ્રેમ પ્રકરણની અદાવતમાં પાટણના એક યુવક પર રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પાટણના યુવકને પગના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, હુમલાખોર મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના આ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો, જેમાં સમાધાન પણ થઈ ગયું હતું. જોકે, મોન્ટુના મનમાં તે વાતનો રોષ યથાવત હતો. આજે ૧૫ ફેબ્રુઆરીના રોજ જ્યારે બંને યુવકો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભેગા થયા, ત્યારે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને મોન્ટુએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી યુવક પર ગોળીબાર કર્યો હતો.

ફાયરિંગની ઘટના બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.