Fri Jun 26 2026

Logo

SG હાઈવે પર નશાની હાલતમાં ત્રણ નબીરાઓએ સર્જ્યો અકસ્માત, ચારની હાલત ગંભીર

2026-06-26 10:30:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ એસજી હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચાર લકઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, આમાં ત્રણ કારચાલક યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ નબીરાઓ 130 ની ઝડપે ગાડી ચલાવી રહ્યાં હતાં. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ત્રણ ઘાયલોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એકની હાલત વધારે ગંભીર હોવાનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સરગાસણ બ્રિજ પાસે સર્જાયો આ ગંભીર અકસ્માત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, એસજી હાઈવે પર ચાર લકઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આમાં ચાર ગાડીઓ ભટકાઈ અને ચારેયનો વાહનો ભાગીને ભૂક્કો થઈ ગયાં છે. આ સમગ્ર કેસમાં સેક્ટર 7 પોલીસે નશાખોર નબીરાઓ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. 

ચારમાંથી એક યુવકની હાલત વધારે ગંભીર 

અકસ્માતની વાત કરવામાં આવે તો, ઇનોવા, હ્યુન્ડાઈ ક્રેટા, મહિન્દ્રા 9 ઇવી અને ટાટા ટિયાગો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આમાંથી એક ગાડી સળગી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ગાડીમાં આગ લાગી ગઈ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સત્વરે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આમાંથી એકની હાલત વધારે ગંભીર હોવાથી તેને સારી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.