Sat Jun 27 2026

Logo

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટમાં 38 આરોપીની ફાંસીની સજા પર સુનાવણી પૂર્ણ, હવે ચુકાદા પર નજર

2026-06-27 10:51:00
Author: Mumbai Samachar Team
Article Image

વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા 38 આરોપીના કન્ફર્મેશન કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે ખંડપીઠ દ્વારા આવતા મહિને આ ચુકાદો સંભળાવે તેવી પ્રબળ શક્યતા છે. 

હાઈકોર્ટના ઈતિહાસની સૌથી લાંબી સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં આ પહેલો એવો મોટો કેસ છે જેની સુનાવણી આટલા લાંબા સમય સુધી રોજેરોજ ચાલી હતી. આ કેસના દસ્તાવેજો અને કાગળો આશરે 8 લાખ પાનાના છે, જે અદાલતી ઈતિહાસમાં એક મોટો વિક્રમ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કેસ ઝડપી ચલાવવાનો નિર્દેશ આપતા ખાસ સરકારી વકીલ દ્વારા 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 1,237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા.

દોઢ વર્ષ સુધી રોજેરોજ ચાલી સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠ સમક્ષ આ ઐતિહાસિક કેસની સુનાવણી રોજેરોજ 'Day to Day Basics' પર દોઢ વર્ષ સુધી ચાલી હતી. આ કેસ એટલો સંવેદનશીલ હતો કે હાઈકોર્ટે તેના લાઈવ સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો.

બચાવ પક્ષ તરફથી હતા દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ

આ કેસમાં બચાવ પક્ષ તરફથી મદ્રાસ અને બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના લોયર સહિતના દિગ્ગજ ધારાશાસ્ત્રીઓએ દલીલ રજૂ કરી હતી. અદાલતમાં પુરાવા તરીકે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં બ્લાસ્ટ માટે વપરાયેલી સાયકલો અને ગાડીઓ પણ જૂની હાઈકોર્ટમાં લાવવામાં આવી, જેનું કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

શું હતો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ?

26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ, મણિનગરની એલ.જી. હોસ્પિટલ સહિતના જુદા જુદા સ્થળોએ બસ, સાયકલ અને કારમાં પ્લાન્ટ કરેલા બોમ્બ દ્વારા 20 શ્રેણીબદ્ધ ધડાકાઓ કરવામાં આવ્યા હતા. આ ગોઝારા આતંકી હુમલામાં 56 લોકોના કરૂણ મોત નીપજ્યા અને 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 78 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 18 ફેબ્રુઆરી, 2022 ના રોજ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના જજ અંબાલાલ પટેલે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીને દોષિત જાહેર કરાયા હતા

આ કેસમાં કોર્ટે કુલ 78માંથી 49 આરોપીઓને UAPA (Unlawful Activities (Prevention) Act) અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ 49 પૈકીના 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી.