Thu Jul 23 2026

Logo

અમદાવાદ પોલીસ માટે ભૂત બન્યા ખબરી, બે મહિનામાં 25 જેટલી ઘોસ્ટ સ્ટોરીની ફાઈલો ખૂલી

2026-06-29 16:21:26
Author: Pooja Shah
Article Image

AI Generated Images


અમદાવાદઃ ભૂતપ્રેત, પિશાચ, ચૂડેલ એ બધા ચોક્કસ અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિષયો છે, પરંતુ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે તેઓ ખબરીની ભૂમિકા નિભાવતા હોય તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ પોલીસને બે હત્યાના કેસમાં ભૂતની વાર્તાઓ પરથી ક્લુ મળ્યા હતા અને એક 34 વર્ષ જૂનો હત્યાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ખબરીઓને સતર્ક કરે અને આ પ્રકારની ભૂતની વાર્તાઓ જ્યાં ચાલતી હોય તેના પર નજર રાખે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં પોલીસને શહેરભરમાંથી આવી ભૂતિયા વાર્તાઓના 25 જેટલા અહેવાલો મળ્યા છે અને દરેકમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ કર્યા બાદ પોલીસને  ત્રણ ઘટનાઓમાં હત્યાની શંકા પડી છે, જેમાં અત્યાર સુધી હોમીસાઈડનો કોઈ કેસ નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસે આવી જ પ્રકારની ભૂતની વાર્તાઓના આધારે અમદાવાદના વટવામાં 34 વર્ષ પહેલાની હત્યાનો કેસ ઉકેલ્યો હતો જ્યારે અન્ય એક કેસમાં 10 વર્ષ પહેલા હત્યા થઈ હતી, જેમાં હત્યારાને ભૂત દેખાતું હોવાના નાનકડા ક્લુએ તેનો ભાંડો ફોડ્યો હતો. 

નવા ત્રણ કેસમાં પણ ભૂતવાળા ઈનપુટ્સની ખાસ તપાસ કરવામાં આવી ત્યારે શંકાસ્પદ ગતિવિધિઓ બહાર આવી છે, જે તે સમયે તપાસ કરતા અધિકારીઓની નજરમાં આવી ન હતી, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે હવે ઘટનાઓનો ક્રમ ગોઠવવાનું, કડીઓ જોડવાનું અને શંકાસ્પદોને ઓળખવા માટે દસ્તાવેજી અને ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનો લેવાનું  શરૂ કર્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પેરાનોર્મલ દાવાઓની તપાસ કરતા નથી. તેના બદલે, તેઓ ભૂતની વાર્તાઓને અપરાધભાવ અથવા સ્થાનિક અફવાઓ તરીકે જૂએ છે, જેમાં ક્યાંક કોઈ ગુનાખોરી છુપાયેલી હોવાની સંભાવના છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે કર્મચારીઓને ખબરીઓના નેટવર્કને સક્રિય કરવા અને આવા સ્થળો સાથે સંકળાયેલા લોકો દ્વારા ત્યજી દેવાયેલા ઘરો, ગુપ્ત ધાર્મિક વિધિઓ, વારંવાર ભૂત દેખાતા હોવાના દાવાઓ અને શંકાસ્પદ વર્તનના અહેવાલોની ગુપ્ત રીતે ચકાસણી કરવા સૂચના આપી હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે બે સફળ કેસ પછી આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. 

આ સાથે પોલીસે જણાવ્યું હતું કે અમે પુરાવાઓની તપાસ કરીએ છીએ, ભૂતોની કે વાર્તાઓની નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક ઇનપુટ હવે ફોરેન્સિક તપાસ, સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓ દ્વારા વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પસાર થાય છે અને અધિકારીઓની ટીમ તેને ફોજદારી કેસ તરીકે ગણે છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ પુરાવા ગમે તેટલા અસામાન્ય હોય જો તેની સાથે ગુનો સંકળાયાની શક્યતા હોય તો તેને ચકાસણી કર્યા વિના છોડવામા આવશે નહીં.