અમદાવાદમાં પીએણ આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચમાં 65 નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શાહીબાગ નમસ્તે સર્કલ અને સરદાર કેમ્પ વિસ્તારમાં સરકારી આવાસ અપાવવાના નામે રૂપિયા 08.63 લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજનાઓમાં મકાન અપાવવાની લાલચ આપી 65 લોકો પાસેથી છેતરપિંડી આચરવામાં આવી તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણીપમાં રહેતા 62 વર્ષીય એજન્ટ જગદીશસિંહ રાજપુતની ફરિયાદના આધારે માધવપુરા પોલીસે આરોપી પંકજ પ્રજાપતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવેમ્બર 2023માં ફોર્મ ભરવા માટે રૂપિયા લીધા હતા
વિગતે વાત કરવામાં આવે તો, ઘોડાકેમ્પ અનાજ ગોડાઉન પાસે રેશનકાર્ડ કચેરી બહાર એજન્ટ તરીકે કામ કરતા પંકજ પ્રજાપતિએ નવેમ્બર 2023માં યોજનાના ફોર્મ ભરાવવાની ખાતરી આપી હતી. તેણે એલઆઈજી અને ઇડબલ્યુએસ આવાસ માટે ડિપોઝિટ ઓનલાઈન ભરવાની વાત કહી નાગરિકો પાસેથી રોકડા નાણાં મેળવ્યા હતા. એલઆઈજી 2-બીએચકેમાં 27 નાગરિકો પાસેથી રૂપિયા 21,000 લેખે કુલ રૂપિયા 5,67,000 મેળવ્યા હતાં, જ્યારે એએમસી ઇડબલ્યુએસ 1-બીએચકેમાં 38 નાગરિકો પાસેથી રૂપિયા 7,800 લેખે કુલ રૂપિયા 2,96,400 પડાવ્યાં હતાં.
65 લોકો પાસેથી કુલ રૂપિયા 08,63,400 રોકડા ઉઘરાવ્યાં હતાં
આરોપીએ 13 ડિસેમ્બર 2023થી 5 જાન્યુઆરી 2024 વચ્ચે 65 લોકો પાસેથી કુલ રૂપિયા 08,63,400 રોકડા એકઠા કરી લીધા. રૂપિયા લીધા બાદ આરોપીએ ઇડબલ્યુએસ મકાનો માટે બોગસ રસીદો પધરાવી દીધી હતી, જ્યારે એલઆઈજી આવાસની પાવતીઓ આપવામાં ટાળમટોળ કરતો હતો. શંકા જતાં ફરિયાદીએ એએમસીના રાયખડ સ્થિત હાઉસીંગ સેલમાં આરટીઆઈ કરી હતી. જેમાં આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.
કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
આરટીઆઈ બાદ જાણવા મળ્યુ કે આરોપીએ નાગરિકોને આપેલી તમામ પાવતીઓ બનાવટી હતી અને કોર્પોરેશનના રેકોર્ડ પર ઉપલબ્ધ નહોતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ તંત્રમાં આવાસ યોજના હેઠળ કોઈ ફોર્મ કે નાણાં જમા જ કરાવ્યા નહોતા. કૌભાંડ ખુલ્લું પડતાં ભોગ બનનારા લોકોએ પંકજ પ્રજાપતિને ઘેર્યો હતો. આરોપીએ ફોર્મ ન ભર્યા હોવાની કબૂલાત કરી હતી, પરંતુ નાણાં પરત ન આપતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.