અમદાવાદઃ શહેરમાં સવારમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે અમદાવાદમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વથી લઈ પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદે કેર વર્તાવ્યો છે. સ્કૂલો દ્વારા ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ વિભાગના આદેશ પણ કર્યો છે.
સવાર પાળીના કેટલાક વિદ્યાર્થીઓ પલળીને સ્કૂલે પહોંચ્યા હતા. જોકે ભારે વરસાદ શરૂ થતાં રજા જાહેર કરવામાં આવી હતી. હાટકેશ્વરમાં સ્કૂલવાન બંધ પડતા વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા.
વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ DEO દ્વારા શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી.પરિસ્થિતિ મુજબ શાળા ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે. સ્તાઓ પર પડેલાં વૃક્ષોને હટાવીને ટ્રાફિક વ્યવને પૂર્વવત કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા અનુસાર, સવારે 6:00 થી 9:30 વાગ્યા સુધીના માત્ર સાડા ત્રણ કલાકમાં શહેરમાં સરેરાશ 66.04 મિમી (આશરે 2.6 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જનજીવ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ અલર્ટ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ ઉપરાંત ધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.