Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં 3 ઇંચ વરસાદમાં તો પૂર્વ વિસ્તાર જળબંબાકાર, સિટિ બસ બંધ, આખો વિસ્તાર તળાવમાં ફેરવાયો

2026-09-18 11:58:00
Author: Mayur Patel
અમદાવાદમાં 3 ઇંચ વરસાદમાં તો પૂર્વ વિસ્તાર જળબંબાકાર, સિટિ બસ બંધ, આખો વિસ્તાર તળાવમાં ફેરવાયો

અમદાવાદઃ શહેરમાં સવારમાં પહેલા સરેરાશ 3 ઇંચ વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો હતો. સિટિ બસો બંધ પડી ગઈ હતી. આખો વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હોય તેમ લાગતું હતું.

અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. અમુક તો કંપનીઓની બસ બગડતાં નોકરિયાતો માટે મુસીબતની સ્થિતિ સર્જાઈ હતી. હાટકેશ્વર ભાઈપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને કેટલીક સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. બાપુનગરમાં રાજીવ નગર જનરલ હોસ્પિટલની બાજુમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા.  હાટકેશ્વરમાં સ્કૂલવાન બંધ પડતા વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા. શહેરના અસારવા વિસ્તારમાં રોડ ઉપર નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. અસારવા ગામ, ભાઈપુરામાં પાણી ભરાયા હતા.

નિકોલ વિસ્તાર પણ જળમગ્ન બન્યો હતો. અનેક સોસાયટીઓમાં અને રોડ પર પાણી ભરાયા હતા. કોર્પોરેશન દ્વારા પંપ મુકીને પાણીનો નિકાલ શરૂ કર્યો હતો. ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું અને ભારે ટ્રાફિકજામ થયો હતો. ખોખરામાં કેટલીક દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ભરાયેલા પાણી અને ખાડામાંથી વાહનો કાઢવા પડ્યા હતા. ઘણો સમય થવા છતાં બ્રિજની કામગીરી પૂરી થઈ ન હોવાથી લોકોએ પાણી ભરાતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

શહેરની લાઈફલાઈન ગણાતી એએમટીએસની સિટી બસો પણ પાણીમાં બંધ પડી ગઈ હતી. કેટલીક બસોને ભારે વરસાદથી ભરાયેલા પાણીના કારણે ડાઈવર્ટ કરવામાં આવી હતી.  અખબારનગર, માદલપુર ગરનાળા, શાહીબાગ, ચંદ્રનગર- વાસણા સહિત ઘણા વિસ્તારોની બસો ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે બીઆરટીએસના પાંચ રૂટ બંધ કરાયા હતા.


વાસણા બેરેજના 14  દરવાજા ખોલાયા

ઉપરવાસ તેમજ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 131 ફૂટે પહોંચી છે. સંત સરોવરમાંથી પાણીની આવક વચ્ચે નદીમાં 21,990 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વાસણા બેરેજના કુલ 14 દરવાજા ખોલી દેવાયા છે, જેમાં દરવાજા નંબર 25 થી 29  3 ફૂટ અને દરવાજા નંબર 16 થી 24 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે..