Fri Jul 24 2026

Logo

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર, સંપાદન રદ, હાઈકોર્ટે કોની સામે તપાસના આદેશ આપ્યા ?

2026-04-28 09:48:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા બાદ સંપાદન રદ કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના કસૂરવાર અધિકારીઓ સામે પગલા લેવા આદેશ આપ્યો હતો.  ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રાયની ડિવિઝન બેન્ચ વિવાદિત જમીનના બે ખાનગી ખરીદદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

આ કેસ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોલાદ ગામમાં આવેલી 21,314 ચોરસ મીટર જમીનનો છે. આ જમીન સર્વે નંબર 785 રાઘવજીભાઈ દેવજીભાઈની માલિકી અને સર્વે નંબર 789 કરસનભાઈ પટેલની માલિકી એમ બે પ્લોટમાં વહેંચાયેલી હતી, જે NHAI દ્વારા 2018 અને 2020માં એક્સપ્રેસવે માટે સંપાદિત કરવામાં આવી હતી. NHAI એ તેના માલિકોને વળતર પણ ચૂકવી દીધું હતું.

જોકે, સંપાદન પછી મૂળ માલિકોએ જમીનની માપણી માટે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ને અરજી કરી હતી. કોર્ટના ચુકાદા મુજબ, DILR એ કથિત રીતે ગામના નકશામાં બંને પ્લોટના ભૌગોલિક સ્થાનો અને સીમાઓ ઉલટાવી દીધી હતી. આનો લાભ લઈને, મૂળ માલિકોએ બાકી રહેલી જમીન હોવાનું જણાવી માત્ર 12 દિવસમાં જિલ્લા કલેક્ટર પાસેથી NA (બિન-ખેતી) પરવાનગી મેળવી લીધી અને તે ખાનગી અરજદારોને વેચી દીધી.

કોર્ટે નોંધ્યું હતું કે NHAI ના અધિકારીઓ અને ખરીદદારોની મિલીભગતને કારણે જ NHAI એ તે જ જમીન માટે ફરીથી સંપાદન પ્રક્રિયા શરૂ કરી હતી.  તેને વધારાની જમીન તરીકે ઓળખાવીને ખૂબ જ ઊંચા NA દરો પર વળતર નક્કી કરાયું હતું. ખાનગી ખરીદદારોએ આ વધારાનું વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી  હતી, જ્યારે NHAI એ અંતે આ રિ-સર્વે અને NA રૂપાંતરને પડકાર્યું હતું.

ચુકાદામાં હાઈ કોર્ટે જણાવ્યું કે, આ કેસ કલેક્ટર કચેરી અને NHAI ના પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટની મૂળ માલિકો અને ખરીદદારો સાથેની મિલીભગતનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આ તમામે જાહેર નાણાંની ઉચાપત કરવા માટે એકસંપ થઈ કાવતરું રચ્યું છે.

કોર્ટે એ પણ નોંધ્યું કે NHAI ના એડવોકેટે સ્વીકાર્યું હતું કે ઓથોરિટીએ અમદાવાદ યુનિટના એવા અધિકારીઓની ઓળખ કરી લીધી છે જેઓ જમીન ઉપલબ્ધ ન હોવા છતાં સંપાદન નોટિફિકેશન બહાર પાડવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં સામેલ હતા.

 આ ઉપરાંત કોર્ટે આ મામલો રાજ્યના મુખ્ય સચિવ અને એડવોકેટ જનરલ સમક્ષ મૂકવા આદેશ આપ્યો હતો, કારણ કે મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ કલેક્ટર કચેરી દ્વારા માત્ર 12 દિવસમાં ઉતાવળે કરાયેલા NA રૂપાંતરની ચકાસણી કરવામાં બેદરકારી દાખવી હતી. કોર્ટે અંતમાં સ્પષ્ટ કર્યું કે આ આખો મામલો સત્તાનો દુરુપયોગ અને છેતરપિંડીનું પરિણામ છે, તેથી NHAI એ 21314 ચોરસ મીટર જમીનનો કબજો લેવો જોઈએ અને જમા કરાયેલું વળતર પાછું ખેંચવું જોઈએ.