Thu Jul 23 2026

Logo

અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પૂર્વે જૂથ અથડામણ, એક મહિલા ઘાયલ

2026-06-29 16:32:04
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : અમદાવાદમાં આગામી મહિને યોજાનારી રથયાત્રા પૂર્વે સંવેદનશીલ એવા દરિયાપુર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે  અદાવતમાં બે યુવકો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, લોકોએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો પરંતુ થોડી વાર બાદ બંને યુવકોના પરિવાર વચ્ચે ઘર્ષણ થતાં મામલો ફરી ગરમાયો હતો. જેમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથના મારામારી પણ થઇ હતી. આ સમગ્ર ઘટનામાં એક મહિલાને ઇજા પહોંચી છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  

આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ રવિવારે રાત્રે  દરિયાપુરમાં બે યુવકો વચ્ચે થયેલી તકરાર બાદ જૂથ અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ  વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ  બંને જૂથોએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે હથિયારો સાથે જીવલેણ હુમલાની ફરિયાદો નોંધાવી છે. જેની બાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

તેમજ પોલીસે સ્પષ્ટતા કરી છે કે બંને પક્ષની ફરિયાદોની સાથે પથ્થર મારાના  વાઈરલ વીડિયોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસના અંતે હકીકત મુજબ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

અમદાવાદમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં નીકળવાની છે. જેની માટે પોલીસે અત્યારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.