Sat Apr 18 2026

Logo

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, 400 કિલોથી વધુ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા...

2026-02-14 21:57:21
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા મેળવીને લગભગ 400 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ગાંજો ડુંગળીના થેલાઓની આડમાં છુપાવીને મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે નારોલ વિસ્તારમાં એક વાહનને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી કરોડો રૂપિયાનું માદક પદાર્થ મળી આવ્યું હતું. આ કેસમાં મહારાષ્ટ્રના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 

 ડુંગળીના થેલાઓની નીચે છૂપાવ્યો હતો ગાંજો

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ગાંજાને ડુંગળીના થેલાઓની નીચે કુશળતાપૂર્વક છુપાવ્યો હતો જેથી વાહન ચેકિંગ દરમિયાન કોઈને શંકા ન જાય. મહિન્દ્રા પીકઅપ વાહનમાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને તેને સામાન્ય શાકભાજીની સપ્લાય તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જથ્થો મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હતો તથા અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં તેનું વિતરણ કરવાનું આયોજન હતું. 

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તે બાબતની તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થો અમદાવાદમાં કોને પહોંચાડવાના હતા અને પાછળ કઈ ગેંગ અથવા નેટવર્ક સંડોાયેલું છે. અધિકારીઓનું માનવું છે કે આ કેસમાં મોટા રેકેટનો હાથ હોઈ શકે છે અને અન્ય સંડોાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.