Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું! પદ પરથી હટાવી જેલભેગા કરવાની માગ સાથે વિરોધ

2026-09-29 16:50:22
Author: Devayat Khatana
અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું! પદ પરથી હટાવી જેલભેગા કરવાની માગ સાથે વિરોધ

અમદાવાદ: તાજેતરમાં જ ચૂંટણી પંચની કામગીરીમાં અન્ય કમિશનરોની નારાજગી રહી હોવાના આક્ષેપો પર દેશમાં ભારે હોબાળો મચેલો છે. મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન અંદાજે 13 કરોડ મતદારોના નામ ગેરકાયદે રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. વિપક્ષી પક્ષે ચૂંટણી પંચની તટસ્થતા પર ગંભીર સવાલો ઉઠાવતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દેશવ્યાપી આક્રમક આંદોલન શરૂ કર્યું છે.

આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સોમવારે અમદાવાદ ખાતે પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડાં પહેરીને, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતી એક વિશાળ વિરોધ રેલી કાઢી હતી.

આ રેલી બાદ સરદાર બાગ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના તમામ આગેવાનો 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને જેલમાં પૂરવામાં આવે' તેવા આક્રમક પોસ્ટરો સાથે ધરણા પર બેસી ગયા હતા. આ પ્રદર્શન દરમિયાન સરદાર બાગ પાસે અચાનક ચૂંટણી કમિશનરનું પૂતળું દહન કરવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા સઘન બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

આ પ્રસંગે આકરા પ્રહારો કરતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે 2023થી રાષ્ટ્રીય સ્તરે પૂરાવાઓ રજૂ કરવા છતાં સરકારે વિપક્ષના અવાજને દબાવી દીધો છે. એસઆઈઆર પ્રક્રિયામાં ભાજપને રાજકીય ફાયદો કરાવવા માટે સાચા મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે અને ચૂંટણી પંચના બે સભ્યોએ પણ આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું જણાવી કોંગ્રેસે ચીમકી આપી છે કે મતાધિકાર છીનવનારાઓ સામે કાયદાકીય પગલાં ન લેવાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.