Tue Oct 06 2026

Logo

અમદાવાદના બોપલમાં ‘પોલીસ’ લખેલી કારના ચાલકે 6 વાહનોને અડફેટે લીધા, સ્થાનિકોએ વાયરલ કર્યો વીડિયો

2026-09-14 14:20:00
Author: Vimal Prajapati
અમદાવાદના બોપલમાં ‘પોલીસ’ લખેલી કારના ચાલકે 6 વાહનોને અડફેટે લીધા, સ્થાનિકોએ વાયરલ કર્યો વીડિયો

અમદાવાદઃ અમદાવાદમાં ગત રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે બોપલ વિસ્તારમાં 'પોલીસ' લખેલી કારના ચાલકે નશાની હાલતમાં 6 વાહનોને ટક્કર મારી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. આ કેસમાં બોપલ પોલીસે કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

કારચાલકે કારમાં પોલીસ લખેલી પ્લેટ પણ રાખી હતી

સ્થાનિકોનું કહેવું છે કે, કાર પર પોલીસ લખેલી પ્લેટ રાખેલી હતી. જેને વીડિયોમાં પણ જોઈ શકાય છે. પરંતુ નશામાં ધૂત કાર ચાલક પોતે પોલીસ કર્મચારી છે કે કેમ? તે મામલે તપાસ બાકી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અકસ્માત કરનાર પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ કારમાંથી પોલીસ લખેલી પ્લેટ અંગે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વ્યક્તિ ખરેખર પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ તે અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યો છે. 

નશામાં ધૂત કારચાલકે 6 વાહનોને અડફેટે લીધા 

ઘટનાની વાત કરવામાં આવે તો, બોપલ વિસ્તારમાં સાંજના 8:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈ10 ગાડીનો ચાલક ખૂબ જ બેદરકારી પૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો. આ કારચાલકે રસ્તામાં 2 ફોર વ્હીલર અને 4 ટુ-વ્હીલર સહિત 6 વાહનોને અડફેટે લીધા હતા. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે કાલચાલક દારૂના નશામાં હતો અને તેની સાથે બેઠેલો વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

 

આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતનો સ્થાનિકોએ વીડિયો બનાવ્યો હતો. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ જ્યારે કારચાલકને રોક્યો ત્યારે તેને કોઈ ભાજ હતું નહીં, તે સંપૂર્ણ રીતે નશાની હાલતમાં હતો. બોપલ પોલીસને આ મામલે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ દ્વારા કેવી તપાસ કરવામાં આવે છે તે જોવાનું રહેશે.