Tue Oct 06 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પર ફરી હાઈબ્રીડ ગાંજો પકડાયો, સુરતના પેસેન્જરની ધરપકડ

2026-09-29 21:06:42
Author: Pooja Shah
અમદાવાદ એરપોર્ટ પર ફરી હાઈબ્રીડ ગાંજો પકડાયો, સુરતના પેસેન્જરની ધરપકડ

અમદાવાદઃ શહેરના એરપોર્ટ પર થોડા મહિનાઓના બ્રેક બાદ ફરી ગાંજો પકડાવાની ઘટના બની હતી. મળતી વિગતો અનુસાર બેંગકોકથી અમદાવાદ આવેલા સુરતના એક પેસેન્જરને પેસેન્જર પ્રોફાઈલના આધારે એરપોર્ટ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ વિભાગે પકડી લેતા તેના બેગેજમાંથી 973.23 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.  આ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ અંદાજે રૂ. એક કરોડ થાય છે.

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મોડી રાત્રે થાઈ એરલાઇન્સની ફ્લાઈટ નંબર ટીજી 343માં અમદાવાદ આવેલા પેસેન્જર ઉપર કસ્ટમ વિભાગે નજર રાખી હતી. જો કે પેસેન્જરે પોતાની પાસે કશું જ નહીં હોવાનું જણાવ્યું હતું, પરંતુ બેગમાં શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા બેગ ખોલવામાં આવી હતી, જેમાં બે મોટી પેપરબેગ મળી આવી હતી અને બંને પેપર બેગની અંદર 30 જેટલા ફૂડ પેકેટ હતા. કસ્ટમ વિભાગે તપાસ કરતા આ ફૂડ પેકેટની અંદર ગ્રીન કલરનો હાઇબ્રીડ ગાંજો હોવાનું ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ કરાતા બહાર આવ્યું હતું.

સુરતના પેસેન્જરની કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.  આ ફૂડ પેકેટ ઉપર જામફળનું ચિત્ર દોર્યું હતું અને બેંગકોક અને થાઈલેન્ડમાં આ પ્રકારના ફ્રુટ ના પાઉડર અને ચિપ્સનું પેકિંગમાં વેચાણ થતું હોય છે અને પેસેન્જર આ જ પેકેટની અંદર ગ્રીન કલરનો હાઈ ક્વોલિટીનો ગાંજો છુપાવીને આવ્યો હતો. બેંગકોક અને થાઈલેન્ડથી આવતા પેસેન્જર ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં જ રૂ. 25 કરોડથી વધારેનો ગાંજો લઈને આવતા પેસેન્જરની ધરપકડ થઈ ચૂકી છે.

અગાઉ પણ બેંગકોક અને થાઈલેન્ડથી પેસેન્જર વાયા વિયેતનામ થઈને અમદાવાદ આવતા હતા. તેવા કેસમાં પણ અમદાવાદ સુરત દરોડા અને મુંબઈના કેરિયર પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. જેમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે તેવા પેસેન્જરો મોબાઇલની દુકાનમાં કામ કરતા હોય અથવા તો ટેક્સી ચલાવતા હોય અને કેરિયર સપ્લાય કરતા હોય તેવા છે.