Tue Oct 06 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પરના ચાર કસ્ટ્મ અધિકારી સસ્પેન્ડ, દાણચોરોને મદદ કરવાનો આરોપ

2026-09-08 21:03:43
Author: Pooja Shah
અમદાવાદ એરપોર્ટ પરના ચાર કસ્ટ્મ અધિકારી સસ્પેન્ડ, દાણચોરોને મદદ કરવાનો આરોપ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોડી રાતથી વહેલી સવાર સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં વિદેશથી આવેલા પેસેન્જરને દાણચોરીની કથિત મદદગારી કરવા બદલ બે કસ્ટમના સુપરિટેન્ડન્ટ અને બે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર કસ્ટમ વિભાગમાં ફફડાટ અને ચર્ચા જામી હતી.

અમદાવાદના એરપોર્ટ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાની હેરાફેરી ફોરેન કરન્સી અને સોનાના દાગીનાની દાણચોરી વધી ગઈ હતી અને કસ્ટમ વિભાગે પેસેન્જરોને પકડી ગુના પણ દાખલ કરીને ધરપકડ કરી હોવાના કિસ્સા પણ નોંધાયા હાત. તેમ છતાં ઉચ્ચકક્ષાએ કસ્ટમના અધિકારીઓને શંકા હતી કે એરપોર્ટ ઉપર કેટલાક અધિકારીઓ કસ્ટમ વિભાગના નિયમોનું પાલન કરતા નથી. જેના આધારે કેટલાક પુરાવા કસ્ટમને મળ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ્સના બે સુપરિટેન્ડન્ટ કુલદીપ પાલિવાલ અને વિનય અરોરા તેમજ બે કસ્ટમ ઇન્સ્પેક્ટર ભરત મલ મીના અને કૌશલ કિશોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

એરપોર્ટ ઉપર જે હાઇવોલ્ટેજ ડ્રામા થયો તેના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખી હકીકત જાણી શકાય છે. અમદાવાદ કસ્ટમના ટોચના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા હોવાનું જણાવીને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કસ્ટમના અધિકારીઓએ ફરજ દરમિયાન બોડીવોર્ન કેમેરા લગાવ્યા ન હતા તેવું કારણ બતાવ્યું હતું, પરંતુ બોડી વોર્ન કેમેરા નહીં લગાવવાથી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી વાત ગળે ઉતરે તેમ નથી. કસ્ટમના અધિકારીઓનું ચોક્કસપણે માનવું છે કે કેટલાક અધિકારીઓ દાણચોરી કરવામાં પેસેન્જરની મદદગારી કરી રહ્યા હતા. 

હવે નજીકના દિવસોમાં વધુ કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ એક પેસેન્જર દાણચોરીનું સોનું લઈને બહાર નીકળી ગયો હતો અને એરપોર્ટ સર્કલ પાસે બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેનું અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં પણ કસ્ટમના અધિકારીઓની મદદ વગર આ પ્રકારે ગોલ્ડ બહાર નીકળવું અશક્ય હોવાનું કસ્ટમ વિભાગ માની રહ્યું છે.