Mon May 25 2026

Logo

આફ્રિકા મેં હિન્દ: વિદેશીઓનું જુઠ્ઠાણું... દેશીના ગુણગાન છેક 1940માં આફ્રિકામાં ફિલ્માંકન થયેલા ચિત્રપટમાં કાઠિયાવાડી લોકોની કુશળતાની વાત માંડવામાં આવી હતી

2026-04-03 08:43:43
Author: Henry Shastri
Article Image

ફિલ્મોમાં ભારતનું ચિત્રણ અને ભારતીય ફિલ્મોનું વિદેશમાં ફિલ્માંકન આ બંને રસ અને સંશોધનના વિષય છે. આઝાદી પહેલાં બ્રિટિશ શાસનમાં આપણા પર સેન્સરશિપની તલવાર તોળાતી રહી હતી. એટલું જ નહીં, નાણાકીય પીઠબળના અભાવે દેશી ફિલ્મોનું વિદેશમાં શૂટિંગ પણ દૂરની વાત હતી. આમ પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી મુખ્યત્વે મુંબઈ, કલકત્તા અને મદ્રાસ પૂરતી સીમિત હતી. એ જમાનામાં વિદેશમાં જો કોઈ ભારતીય ફિલ્મનું શૂટિંગ થયું હોય તો પણ એના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી.

1940માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘આફ્રિકા મેં હિન્દ’ એમાં અપવાદ છે. ફિલ્મના દિગ્દર્શક હતા હિરેન્દ્ર કુમાર બસુ,  જે ફિલ્મ નિર્માતા - દિગ્દર્શક તરીકે જાણીતા હતા. 1930થી 1950 દરમિયાન બસુએ બંગાળી અને હિન્દીમાં વીસેક ફિલ્મ બનાવી હતી. 1938માં રાષ્ટ્રીય નેતા શેઠ ગોવિંદદાસે આફ્રિકામાં ભારતીય લોકોએ કેળવેલા સંપર્ક વિશે ફિલ્મ બનાવવા મિસ્ટર બસુને આમંત્રણ આપ્યું હતું.

આ ફિલ્મની પ્રમુખ ખાસિયત એ હતી કે એમાં સૌપ્રથમ યુરોપિયન લોકો આફ્રિકાના લોકો સાથે સંપર્ક કેળવી આગળ વધ્યા હતા એ વાતનો છેદ ઉડાડી એમાં ભારતીય અને ખાસ તો કાઠિયાવાડી લોકો અગ્રસર હતા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જાણવા જેવી વાત એ છે કે 1930ના દાયકામાં આફ્રિકામાં ‘ટારઝન ધ એપ મેન’નું શૂટિંગ થયા પછી  ‘અંધારિયા ખંડ’  તરીકે ઓળખાતા આફ્રિકામાં ફિલ્માંકનમાં વેગ આવ્યો. આપણે ત્યાં સુધ્ધાં ‘તૂફાની ટારઝન’ અને ‘ટારઝન કી બેટી’ જેવી ફિલ્મો બની જેની કથાની પાર્શ્વભૂમિ આફ્રિકા હતી , પણ મુખ્યત્વે બજેટના અભાવે એનું શૂટિંગ ભારતમાં જ કરવું પડ્યું હતું.

હિરેન્દ્ર કુમાર બસુએ આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતની વિગતે રજૂઆત થઈ છે. બસુએ જણાવ્યું હતું કે ‘શેઠ ગોવિંદદાસજી સાથે મારે વર્ષો જૂનો પરિચય હતો. તેમણે મારું એક અત્યંત મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતા કહ્યું હતું કે વિદેશમાં ભારતીયોએ મેળવેલી સિદ્ધિઓની માહિતી પદ્ધતિસર જાળવવામાં આપણે ચોકસાઈ ન રાખી હોવાથી યુરોપિયનો તેમનો કક્કો ખરો કરવા, પોતાનું નામ ઝળહળતું રાખવા ઈતિહાસ સાથે ચેડાં કરતા હતા. 1931માં હોલિવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટ્રેડર હોર્ન’નો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે જીવના જોખમે આફ્રિકાના લોકો સાથે સંપર્ક સાધનારા યુરોપિયોનો સર્વપ્રથમ હતા એવું એ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.’ પણ આ કથા સત્યથી વેગળી હતી. ભારતીયોની સિદ્ધિ દુનિયાની નજરમાં ન આવે એ માટે આવું કરવામાં આવી રહ્યું હતું.

પછી હિરેન્દ્ર બસુ એક એવી વાત કરે છે જે જાણી ગુજરાતીઓ ગર્વ અનુભવશે, એના કોલર ટાઈટ થઈ જશે.  ગોવિંદદાસજીએ મને એ  જણાવ્યું કે હકીકતમાં તો આફ્રિકાના લોકો સાથે સંપર્ક કરી વેપારધંધો શરૂ કર્યો હતો ભારતીય લોકોએ,’ હિરેન્દ્ર બસુ ઉમેરે છે : ‘પશ્ચિમ ભારતના કાઠિયાવાડી લોકો મીઠું, સોય - દોરા અને વિવિધ મસાલા જેવી ચીજવસ્તુઓ તેમની સાથે લઈ જતા. એ વસ્તુઓ આપી કાઠિયાવાડી વેપારીઓ રોકડ રકમ લેવાને બદલે વસ્તુની સામે વસ્તુ લેતા, જૂની બાર્ટર સિસ્ટમ અનુસાર. ભારતીય મસાલા અને સોય - દોરા જેવી વસ્તુના બદલામાં આફ્રિકાના જંગલના આદિવાસીઓ હાથીદાંત, હીરા, બીજા રત્નો, સોનાની ભસ્મ અને બીજી વન્ય સામગ્રી લઈ આવતા.’

શેઠજીની વાત સાંભળી હિરેન્દ્ર કુમાર બસુ ચોંકી ગયા. આ કથા ફિલ્મ બનાવવા માટે જબરદસ્ત છે એનો ખ્યાલ એમને આવી ગયો. ગોવિંદદાસજી હતા વેપારી, પણ સ્વાતંત્ર્યપૂર્વ પહેલાના. પૈસા કમાઈ લેવા સાથે દેશદાઝ ધરાવતા અને દેશનું નામ કઈ રીતે રોશન થાય એ માટે બનતી કોશિશ કરવા માટે પૈસા અને સમય ખર્ચવામાં માનતા વેપારી હતા. શેઠજીએ આફ્રિકામાં ભારતીય લોકોની પ્રવૃત્તિ પર આધારિત એક ફિલ્મ બનાવવા  બસુ બાબુને આમંત્રણ આપ્યું. આફ્રિકાના પોતાની ઓળખાણનો ઉપયોગ કરી તેમણે ફિલ્મ તૈયાર કરવા માટે પૈસા અને અન્ય જરૂરિયાતનો બંદોબસ્ત કરી આપ્યો.એ પછી  બસુ ફિલ્મના કલાકારો અને અન્ય કસબીઓ સાથે 1939ના જાન્યુઆરીમાં રવાના થઈ કેન્યાના મોમ્બાસા શહેર પહોંચ્યા. જોકે, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો સામનો કર્યો હતો એમ જ ઈસ્ટ આફ્રિકાની સંસ્થાનવાદી સરકારની રંગભેદની નીતિનો અનુભવ બસુને થયો.

ફિલ્મનું શૂટિંગ નૈરોબીમાં કરવાનું હતું. નૈરોબી મોમ્બાસાથી 500 માઈલ દૂર હોવાથી યુનિટના કેટલાક સભ્યો કારને બદલે ટ્રેનમાં મુસાફરી કરવા માગતા હતા, પણ આફ્રિકામાં વ્યવસ્થા સંભાળનારા એક  પટેલભાઈએ સાફ સાફ કહી દીધું કે બધા લોકોએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરવી પડશે, કારણ કે એક યુરોપિયન જો એમાં દાખલ થયો હશે તો કોઈ પણ ભારતીયને ફર્સ્ટ ક્લાસમાં બેસવા નહીં દે. 1893માં ગાંધીજીને પણ સાઉથ આફ્રિકામાં પીટરમેરીટઝબર્ગ સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા એવું જ.

આવા અનુભવ - આવી પરિસ્થિતિ અને વાતાવરણમાં હિરેન્દ્ર કુમાર બસુએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. શૂટિંગ દરમિયાન બસુની મુલાકાત ફિલ્મના શૂટિંગ માટે આવેલી પ્રખ્યાત અમેરિકન ફિલ્મ નિર્માણ કંપની ‘મેટ્રો ગોલ્ડવિન મેયર’ - એમજીએમના યુનિટ સાથે થઈ. વાતચીત અને એમની કામ કરવાની શૈલીથી બસુ ખૂબ જ પ્રભાવિત થયા. તેમની પાસે ફિલ્મ મેકિંગની અદ્યતન સામગ્રી (હરતી ફરતી લેબોરેટરી, જનરેટર, લાઈટ્સ, રિફ્લેક્ટર્સ વગેરે) હોવાથી જંગલમાં પ્રકાશ ન પહોંચતો હોય એવી જગ્યાએ પણ તે ફિલ્માંકન કરી શકતા હતા.

અલબત્ત,  સાહસવૃત્તિ અને દેશાભિમાનને કારણે અને ‘કુછ કરકે દિખાના હૈ’ એ વૃત્તિ સાથે બસુ અને એમના યુનિટના સભ્યો ઉત્સાહભેર વિષમ વાતાવરણમાં કામ કરતા રહ્યા. બસુના સહાયક દિગ્દર્શક  બેનર્જીબાબુએ ટીમના સભ્યોનો ઉત્સાહ વધારી કહ્યું કે ‘આપણી હિંમત અને આવડત એમના કરતાં  ચડિયાતા છે. આપણી પાસે એમની સરખામણી એક ટકો સાધન સામગ્રી છે, પણ તેમ છતાં તેમના સિનેમા સાથે જોરદાર મુકાબલો કરવામાં પાછા નહીં પડીએ.’ વિવિધ મુશ્કેલીઓ આવી હોવા છતાં દ્રઢ મનોબળના જોરે જેમતેમ કરી ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. અંતે બસુ દિગ્દર્શિત ‘આફ્રિકા મેં હિંદ’ 1940માં રિલીઝ થઈ. પૂર્ણપણે આફ્રિકાના લોકેશન પર શૂટિંગ થયું હોય એવી આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ફિલ્મમાં વિદેશમાં ભારતીયોની અવહેલનાની સાથે સાથે આપણા કાઠિયાવાડી વેપારીઓની કુનેહની વાત પણ વણી લેવામાં આવી હતી.