ધર્મને આપણી જરૂર છે કે આપણને ધર્મની?
- અભિમન્યુ મોદી
ધર્મ એક બહુપરિમાણીય વિભાવના છે, જે દાર્શનિક પૂછપરછ અને વ્યવહારિક આવશ્યકતાના તાણાવાણા દ્વારા જોડાયેલી છે.
તેમ છતાં, તેના દાર્શનિક આધાર ઉપરાંત, ધર્મ માનવ સમાજમાં સાંસ્કૃતિક ઓળખ, નૈતિક સંહિતા અને સામાજિક સંસ્થાઓને આકાર આપવામાં વ્યવહારિક ભૂમિકા ભજવે છે.
જરૂર કરતાં વધુ આપવામાં આવે અને જરૂરિયાતની અનુભૂતિ ન થઈ હોય તો પણ તેની પાસે બહુવિધ સ્રોતોનો ખડકલો કરી દેવામાં આવે તો તેનું પતન નિશ્ર્ચિત છે. જિજીવિશા સિવાય પણ ઉત્તુંગ ઈચ્છાઓ હોવી જોઈએ. જિંદગી જીવવાની ઈચ્છા છે, જિંદગી સારી રીતે જીવવાની ઈચ્છા છે, પણ એ જિંદગીને ભરચક બનાવીને મુક્તિ મેળવવાની પ્યાસ કેટલામાં? નંબર વન રહેવું અને સર્વોત્કૃષ્ટ બનવાની તરસ જાગૃત કરવી એ બંનેમાં ફરક છે. મોટા ભાગના લોકો નંબર વન મેળવવામાં જ આયખું પસાર કરી નાખે છે, પણ એ આગળ પહોંચવાની કશ્મકશમાં જ કોઈ શક્તિ સાથે તાદાત્મ્ય સાધવાની ઈચ્છા થાય એવું બને. એ ઈચ્છાની શોધ અને તેનો જવાબ એટલે ધર્મ. જે જરૂરિયાતમાંથી જન્મે છે. આકાશમાં ઊંચે જોઈને કઇંક રહસ્યમય તાકાત સાથે અનુસંધાન સ્થાપવું એ માનવીની જરૂરિયાત છે અને એના જવાબરૂપે થયેલી શોધ ધર્મ છે. જરૂરિયાત એ શોધની માતા છે એવું આપણે સાંભળ્યું છે.
-તો શું ધર્મ એ માનવજાતની શોધ છે? ધર્મ એક આવિષ્કાર છે?
ના, ધર્મ મનુષ્ય નામના સંપ્રદાયની ઉત્તમ ટેકનોલોજી છે. યસ, રિલિજિયન ઇઝ ટેકનોલોજી. કઈ રીતે?
માણસના માત્ર જઠરમાં હજાર જાતના બેક્ટેરિયા હોય છે. દુનિયામાં જેટલા માણસો નથી એનાથી વધુ સૂક્ષ્મ જીવાણુંઓ આપણી હથેળીમાં છે. એક જીવતો માણસ અનેક જીવોની વસાહત છે. આવી અગણિત વસાહતો થઈને સમાજ બનાવે છે. આવા ઘણા સમાજો ઠેકઠેકાણે ઊભા થયા અને માનવજાતિનું ગઠન થયું. ઉત્ક્રાંતિ પામેલી આ જાતિ પૃથ્વી નામના ગ્રહમાં વસે છે જે છેલ્લા થોડા સમયથી ચંદ્ર કે મંગળ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. વાત એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માણસ મોટી છલાંગ લગાવવા માંગતો હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માંગતો હોય છે. જ્યારે ધર્મ આ માણસોને માત્ર એકબીજા સાથે જોડતું નથી, પણ માણસ કુદરત અને બ્રહ્માંડનો એક ભાગ છે તેનું પણ ભાન કરાવે છે. કઈ કર્યા વિના જગત સાથે જોડાણ કરી આપતી મહા વ્યવસ્થા એટલે કે ધર્મ બીજા અર્થમાં ટેકનોલોજી જ થઈ.
સીધી વાત છે. આપણને ધર્મની જરૂર છે, પરંતુ એક પણ ધર્મને માણસની જરૂર નથી. જે ધર્મને માણસોની જરૂર પડે એને ધર્મ ન કહેવાય. આદિમાનવ દિનરાત ખાવાનું શોધતો અને હવેનો માણસ પૈસો-પાવર ગોતે છે. આ શોધવાની દડમજલ કર્યા પછી જો માણસને બધું મળી જાય તો એના પછી શું? અને જો નથી મળતું તો શું? આવા પ્રાથમિક સવાલના સંતોષકારક જવાબમાં ધર્મ એન્ટ્રી મારે છે. ધર્મ ન હોત તો આ સવાલો નિરુત્તર રહી જતા માણસ ગાંડો થઈ ગયો હોત. અલૌકિક શક્તિને પોતાની જિંદગીમાં પ્રાણપ્રતિષ્ઠા કર્યા સિવાય માણસ પાસે કોઈ છૂટકો જ ન હતો. ધર્મ છે તો દુનિયામાં આટલી શાંતિ છે. ધર્મ છે તો ડરના માર્યા પણ માણસ બીજાનું અહિત કરતા પહેલા 10 વખત વિચારે છે. ધર્મ છે તો માણસ આગળ-પાછળનું કે આગલા જન્મ અને પાછલા જન્મનું વિચારીને પોતાનો વર્તમાન ચોખ્ખો રાખે છે. આ ધર્મ જ ન હોય તો? હાહાકાર મચી જાય એ ચોક્કસ.
માનવતા કે નાસ્તિકતાનો સિદ્ધાંત પણ બધા ધર્મોના નિચોડસ્વરૂપે જ આવ્યો છે. જો આ બધી વાત આટલી સરળ અને સહજ હોય તો પ્રોબ્લેમ ક્યાં છે? બે ધર્મ વચ્ચે તો ઠીક, એક જ ધર્મના બે સંપ્રદાયો કે બે ફાંટાઓ વચ્ચે પણ સુમેળ કેમ નથી?
કારણ કે મોટા ભાગના મનુષ્યોને પોતાને નાનપણથી ધર્મની જરૂરિયાત લાગે એવો મોકો આપવામાં આવ્યો જ નથી. તાવ આવતા પહેલા દવાઓનો ઓવરડોઝ કરવામાં આવ્યો છે અને સાઈડ ઇફેક્ટ આવે એટલે બીજી દવા. આમાં માણસની તબિયત સુધરે કે ન સુધરે,
ફાર્મસીવાળાનો ગલ્લો ભરાય. દુનિયાને, જિંદગીને, સારા-ખરાબને ઇ.ને સમજવાની બાળકમાં ઈચ્છા જાગૃત થાય અને દુનિયાના તમામ ભણતર, વિજ્ઞાન, થિયરીમાંથી જ્યારે એને જવાબ ન મળે તે સમયે તેની સામે ધર્મને રાખવામાં આવે તો આપોઆપ ધર્મની મહત્તા તેને સમજાય. તે કોઈ વાડાના વિવાદમાં પડે નહીં અને સનાતન શાંતિનો મહિમા કરે.
દેશ આઝાદ થયો હશે, માણસ આઝાદ થયો નથી. બાળકોને એની પસંદગીનો ધર્મ પસંદ કરવાનો અવકાશ આપવામાં આવતો નથી. ટેક્સ્ટબુકમાં ધર્મ વિશે અભ્યાસ કરાવવામાં આવતો નથી. ન્યાયપાલિકા આપણે ત્યાં સ્વતંત્ર છે પણ ધર્મનું પદ્ધતિસરનું જ્ઞાન આપતી કોઈ સ્વતંત્ર સંસ્થા નથી. ધાર્મિક સંસ્થાઓ પોલીસખાતા જેવી છે જેનો દોરીસંચાર વણલખ્યો યુનિફોર્મ પહેરેલા અમુક લોકોના હાથમાં છે. ધર્મ જિંદગી જીવવાનો રસ્તો નથી પણ ધર્મના સંસ્કાર જિંદગી ઉજાળવાનું કામ કરે છે. પોતાનો રસ્તો પસંદ કરવાની છૂટ મળે એવો મુક્ત સમાજ આપણો નથી. માતા- પિતાઓના દિલ હજુ સુધી એવા દરિયાદીલ બન્યા નથી. ટોળાશાહી બધે છે અને ચાલશે. આમાં કોઈ પહેલ કરે તો પણ કેવી રીતે કરે?