અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી ઠંડી ધીમે ધીમે વિદાય લઈ રહી છે અને ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાઈ શકે છે. જેના કારણે ફેબ્રુઆરીના અંતમાં જ લોકોએ એપ્રિલ-મે મહિના જેવી ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થવાના કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
રાજ્યમાં ડિસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ડિસામાં તાપમાનનો પારો 34.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરી માટે સામાન્ય કરતાં ઊંચું ગણાય છે. ભુજમાં 32 ડિગ્રી, કંડલા પોર્ટમાં 33 ડિગ્રી, નલિયામિાં 21 ડિગ્રી, ભાવનગરમાં 31 ડિગ્રી, પોરબંદરમાં 30 ડિગ્રી, રાજકોટમાં 33 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્ંર, સુરતમાં 32 ડિગ્રી, વડોદરામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં રાજ્યનું સૌથી ઓછું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં ગરમીનો પારો ઊંચકાયો
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે અને તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ઉપર ચઢ્યો છે. 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન અગાઉના દિવસો કરતા વધુ નોંધાશે. કોંકણથી લઈને વિદર્ભ સુધી ગરમી નાગરિકોને પરેશાન કરે તેવી શક્યતા છે.
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર 6 રાજ્યોમાં ફરી એકવાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને આ સમય દરમિયાન સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. માછીમારોએ 20 ફેબ્રુઆરીએ દરિયાકાંઠાની આસપાસ અને તેની બહારના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે જોરદાર પવન પણ ફૂંકાશે.