અમદાવાદ: કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ સાથે રીસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને સહકર્મી પરણિત મેનેજર યુવકે પોતે અપરિણીત હોવાનું કહીને યુવતી સાથે મિત્રતા કેળવી યુવતીને નશાવાળી સિગરેટ પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે યુવતીના ફોટા-વીડિયો બનાવી તેને બ્લેકમેઈલ કરી અનેક વખત હવસ સંતોષતા યુવતીને પોણા બે મહિનાનો ગર્ભ રહી જતા હવસખોરે યુવતીનું અબોર્શન કરાવી દીધું, જોકે આ મામલે યુવતીના પરિવારજનોને જાણ થતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથધરીને આરોપી ઇનોશ સોનિયા મેયર્સની બળાત્કાર સહિતના ગુનામાં ધરપકડ કરી છે.
શું છે આખી ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં 21 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2024થી તે રીસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. યુવતી જ્યાં કામ કરે છે તે ઓફિસમાં નવેમ્બર 2025ના સમયગાળામાં ઇનોશ સોનિયા મેયર્સ નામનો યુવક મેનેજર તરીકે નોકરી પર લાગ્યો હતો. ત્યારે યુવતી અને મેનેજર યુવક વચ્ચે કામકાજને અંતર્ગત રોજબરોજ વાતચીત થતી રહેતી હતી. આ દરમિયાન ઇનોશ સોનિયા મેયર્સે યુવતીને હું અપરિણીત છું કહીને ફ્રેન્ડશીપ માટેનો પ્રસ્તાવ મુકતા યુવતીએ મિત્રતા બાંધી હતી.
બાદમાં આ રિસેપ્શનિસ્ટ યુવતી અને અન્ય કર્મચારીઓ મેનેજર ઇનોશના ઘરે નાસ્તો કરવા માટે એકઠા થતા રહેતા હતા. થોડા દિવસ બાદ ફરીથી ઇનોશ મેયર્સે યુવતીના વોટ્સએપમાં કોલ કર્યો અને જણાવ્યું કે આજે બધા ફ્રેન્ડ્સ ફરી મારા ઘરે આવવાના છે. તો તું પણ આવજે. એટલે યુવતી સવારના નવેક વાગ્યાની આસપાસ વટવા ખાતે આવેલા ઇનોશના ઘરે ગઈ હતી. ત્યારે ઇનોશ ઘરે એકલો હાજર હતો અને સિગારેટ પીતો હતો. તેણે યુવતીને પણ સિગારેટ પીવાની ઓફર કરી હતી.
યુવતીને નશાયુક્ત સિગારેટ પીવડાવી શરીર સંબંધ બાંધ્યા
યુવતીએ સિગારેટ પીવાથી ઇનકાર કરતા ઇનોશે તને સારું લાગશે કહીને બળજબરીથી નશીલા પદાર્થ યુક્ત સિગારેટ પીવડાવી હતી. જેથી યુવતી થોડી જ વારમાં બેહોશ થઇ ગઈ હતી. ત્યારબાદ આરોપી ઇનોશે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને તેના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. યુવતી જ્યારે હોશમાં આવી ત્યારે તેને જાણ થઇ કે ઇનોશે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો.
બાદમાં યુવતીએ ઇનોશના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને નોકરીના સ્થળે પણ કામ પૂરતી જ વાતચીત કરવા લાગી હતી. આથી ઇનોશ પોતે મેનેજર હોવાનો ફાયદો ઉઠાવીને યુવતીને કામકાજની બાબતમાં હેરાન કરવા લાગ્યો હતો અને યુવતીને ધમકી આપતા કહ્યું કે "તારી સાથે મેં સંબંધ બાંધ્યો હતો, તેના ફોટા અને વીડિયો છે તે હું તારા માતા-પિતાને વોટ્સએપમાં મોકલી દઈશ" એટલે યુવતી ગભરાઈ ગઈ હતી. અને 2026ના જાન્યુઆરીમાં નોકરી છોડી દીધી હતી.
નોકરી છોડ્યા બાદ પણ ઇનોશ યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણીની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ છે. દરમિયાન યુવતીના પિરીયડ મિસ થઇ જતા તેણે ઇનોશને જાણ કરી હતી અને ઇનોશે યુવતીને બાપુનગરની આસ્થા હોસ્પિટલમાં તપાસ કરાવી આવ તેમ જણાવ્યું હતું. આથી ગત 4 જૂલાઈના રોજ સવારે યુવતી હોસ્પિટલમાં પહોંચી ગઈ અને તપાસ કરાવતા તેણીને પોણા બે મહિનાનો ગર્ભ હોવાની જાણ થઇ હતી.
યુવતીના માતા-પિતાને ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ માતાપિતાએ પોતાની દીકરીને વિગતવાર પૂછતા યુવતીએ સમગ્ર હકીકત જણાવી દીધી હતી. બાદમાં યુવતીના પરિવારજનોએ સાથે રહીને આ મામલે ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે આરોપી ઇનોશ સોનિયા મેયર્સની દુષ્કર્મના ગુના હેઠળ ધરપકડ કરી છે.