Thu Jul 23 2026

Logo

પાકિસ્તાનની જેલમાં ગુજરાતના કેટલા માછીમારો છે બંધ? ઈટાલિયાના સવાલનો સરકારે આપ્યો આવો જવાબ

2026-02-20 11:06:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ પાછલા કેટલાક વર્ષથી ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ મોતની જેલ બની રહી છે, જેલમાં રહેલા ભારતના માછીમારો બીમાર થતાં સારવારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાને કારણે અત્યાર સુધી અનેક માછીમારોએ પોતાનો જીવ પાકિસ્તાનની જેલ અને હોસ્પિટલમાં ગુમાવ્યો છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિધાનસભા ગૃહમાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મત્સ્યોદ્યોગ પ્રધાનને પૂછ્યું કે, તા. 20-01-2026ની સ્થિતિએ રાજ્યના કુલ કેટલા માછીમારો પાકિસ્તાનની જેલામાં છે અને ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે તેમજ તેમને છોડાવવા શું પ્રયત્નો કરવામાં આવ્યા?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ગુજરાતના 128 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તા. 21-01-2024 થી 20-01-2025 સુધી બે અને તા. 21-01-2025 થી તા. 20-01-2026 સુધી એક મળી કુલ ત્રણ ગુજરાતી માછીમારના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનન કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત 16મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું. ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.