ગાંધીનગરઃ કચ્છનો રણ ઉત્સવ માત્ર ગુજરાત, ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. 15મી વિધાનસભાના નવમા સત્રના બીજા દિવસે ભુજના ધારાસભ્ય કેશુભાઈ શીવદાસ પટેલે રણ ઉત્સવમાં ભાગ લેવા આવેલા પ્રવાસીઓ અંગેનો સવાલ પૂછ્યો હતો.
ધારાસભ્યએ પૂછ્યું કે, તા.31/07/2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રણ ઉત્સવ દરમ્યાન કેટલા લોકોએ મુલાકાત લીધી હતી, વર્ષ 2025-26ના રણ ઉત્સવમાં અને વર્ષ 2024-25ની સરખામણીએ અંદાજે કેટલા ટકા પ્રવાસીઓનો વધારો થયો. તેમજ રણ ઉત્સવ 2025-26 દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ થકી સ્ટોલધારકોને કેટલી આવક થઈ?
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં 10,41,694 પ્રવાસીએ રણ ઉત્સવની મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આશરે 3.97 ટકા પ્રવાસીઓનો વધારો થયો હતો. રણ ઉત્સવ 2025 દરમિયાન ફૂડ સ્ટોલધારકોને 2.13 કરોડ અને ક્રાફ્ટ સ્ટોલધારકોને 12.11 કરોડ આવક થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છ રણોત્સવ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામે યોજાતો વિશ્વપ્રસિદ્ધ સાંસ્કૃતિક મહોત્સવ છે. આ ઉત્સવ દર વર્ષે શિયાળામાં યોજાય છે, જે વૈશ્વિક પ્રવાસીઓને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, લોકકલા, અને અદભુત સફેદ રણની મુલાકાત લેવાની ઉત્તમ તક પૂરી પાડે છે. કચ્છ રણોત્સવ 2026-27 127 દિવસ યોજાશે. 1 નવેમ્બર 2026 થી 7 માર્ચ 2027 સુધી રણોત્સવ યોજાશે.
રણોત્સવ દરમિયાન પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ચમકતા સફેદ રણનો નજારો અવિસ્મરણીય અનુભવ આપે છે. સફેદ રણની વચ્ચે પ્રવાસીઓ માટે ખાસ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય ટેન્ટ સિટી અને પરંપરાગત કચ્છી ભૂંગા બનાવવામાં આવે છે. રાત્રિ દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા લોકસંગીત, રાસ-ગરબા અને કચ્છી લોકનૃત્યોની પ્રસ્તુતિ થાય છે. આ ઉપરાંત રણમાં ઊંટ સવારી, પેરામોટરિંગ, એટીવી રાઇડ્સ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે.