Sun Jul 26 2026

Logo

યુટ્યુબરે ઇન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમ કરી 150ની ઝડપે કાર ચલાવી અને ડિવાઈડર સાથે અથડાવી

2026-03-08 12:29:00
Author: Savan Zalariya
Article Image

ગાઝિયાબાદ: ઓનલાઈન UK07 રાઇડર તરીકે પ્રખ્યાત યુટ્યુબર અનુરાગ ડોભાલે શનિવારે એક ચોંકાવનારું પગલું હતું. અનુરાગે તેની SUV કાર 150 પ્રતિ કલાકની ઝડપે ચલાવીને ઇન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમિંગ શરુ કર્યું હતું અને અચાનક સ્ટેરીંગ ફેરવીને કાર ડિવાઇડર સાથે અથડાવવી હતી. બિગ બોસ 17 ના સ્પર્ધક રહી ચુકેલા અને વિશાળ ફેનબેઝ ધરાવતા અનુરાગે અચાનક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચાહકો ચોંકી ગયા હતાં. હાલ અનુરાગ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.

અહેવાલ મુજબ ભારતના સૌથી જાણીતા મોટોવ્લોગર્સમાંના એક અનુરાગ પાસે લક્ઝરી કાર અને બાઈક્સનો કાફલો છે, શનિવારે તે તેની ટોયોટા ફોર્ચ્યુનર લગભગ 140-150 કિમી/કલાકની ઝડપે ચાલવીને જાણીજોઈને કાર ડિવાઇડર સાથે અથડાવી હતી, આ અકસ્માત ગાઝિયાબાદના મસુરી નજીક થયો હતો. રાહદારીઓએ અકસ્માત અંગે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અનુરાગને મેરઠની સુભાર્તી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.

અનુરાગે આ સમગ્ર ઘટનાનું ઇન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમ કર્યું હતું, આ દરમિયાન તેની આંખો આંસુઓથી છલકાતી દેખાઈ રહી છે, લાઇવ સ્ટ્રીમ દરમિયાન તે તેનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. આ દરમિયાન  82,000થી વધુ લોકો લાઇવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા. 

પરિવાર પર ગંભીર આરોપ:
થોડા દિવસ પહેલા અનુરાગે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પરિવાર દ્વારા તેને માસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, કેમ કે તેણે અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા છે. વિડીયો તેણે કહ્યું હતું, "છેલ્લા કેટલાક મહિનાઓમાં, મારી જિંદગી સમ્પૂર્ણ પણે બદલાઈ ગઈ છે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જીવન મને આમ પછાડીને છોડી દેશે.”

એ સમયે તેણે જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તેના મોત બદલ તેના પરિવારજનો જવાબદાર રહેશે, ત્યાર બાદ તેણે શનિવારે આ લાઇવસ્ટ્રીમ કર્યું હતું.

ચોંકાવનારું લાઈવ લાઈવસ્ટ્રીમ:
ઇન્સ્ટાગ્રામ લાઈવમાં અનુરાગ કહી રહ્યો છે, “ આવતા જન્મમાં મને પ્રેમ આપ જો, મમ્મી. મને પ્રેમની ખૂબ જરૂર હતી.”

ઇન્સ્ટાગ્રામ લાઈવસ્ટ્રીમ દરમિયાન કારમાં “જિસ્કો જો ભી મિલતા હૈ”  ગીત વાગી રહ્યું હતું. અનુરાગે કેમેરાને વિન્ડસ્ક્રીન અને સ્પીડોમીટર તરફ ફેરવ્યો, થોડીવાર બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ. અનુરાગનું ઇન્સ્ટાગ્રામ લાઇવસ્ટ્રીમ 82,000 લોકોએ જોયું હતું, લોકો એ હાર્ટ અને રડતા ઇમોજી મોકલ્યા હતાં.

આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હોઉં તો  તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી - સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)