નવી દિલ્હીઃ કોંકરોચ જનતા પાર્ટી(સીજેપી)ની આગેવાની હેઠળ દિલ્હીના જંતર-મંતર ખાતે કરેલા વિરોધ પ્રદર્શનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંતાનો દ્વારા પણ સમર્થન મળ્યું હતું, જેમાં હવે યશસ્વિની રાજેનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે, જેને નવા શિક્ષણ પ્રધાન અંગે પણ ગંભીર સવાલો કર્યાં હતા.
CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન યશસ્વિની રાજે સિંહનું નામ ચર્ચામાં આવ્યું હતું. જે બાદ તે કોણ છે અને શું કરે છે તેવી ચર્ચા શરૂ થઈ હતી. વ્યવસાયે કન્ટેન્ટ ક્રિએટર યશસ્વિની રાજે સિંહે ભાજપના નેતાની પુત્રી છે. તેણે માત્ર આંદોલનનું ખુલ્લેઆમ સમર્થન જ નહોતું કર્યું, પરંતુ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા નવા શિક્ષણ પ્રધાન પ્રહલાદ જોષીની નિમણૂકને એક ગંદી મજાક ગણાવી હતી.
કોણ છે યશસ્વિની
યશસ્વિની ઉત્તર પ્રદેશના પૂર્વ ભાજપ ધારાસભ્ય વિક્રમ સિંહની પુત્રી છે. તેમણે પોતે પણ નવી દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એક ઈન્ટરવ્યુમાં યશસ્વિનીએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રહલાદ જોશીને નવા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન બનાવવા નિર્ણય પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં તેમણે તેને ગંદી મજાક ગણાવી હતી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં વપરાયેલી ભાષાની ટીકા કરી
યશસ્વિનીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં વપરાયેલી ભાષાની કડક ટીકા કરી હતી. તેમણે કહ્યું, રાજીનામાના પત્રની ભાષા કોઈ એવી વ્યક્તિની નહોતી લાગી રહી જેને પોતાના કૃત્યનો પસ્તાવો હોય અથવા જે પોતાની જવાબદારી સ્વીકારી રહી હોય, પરંતુ આ ભાષા કોઈ 'શહીદ' જેવી હતી. પ્રધાને પોતાના પત્રમાં લખ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાનથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તાકાતોને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા રોકવા માટે પદ છોડી રહ્યા છે.
આંદોલન ચાલ્યું 36 દિવસ સુધી પછી...
ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષામાં ગેરરીતિઓને લઈને Gen-Z વિદ્યાર્થીઓનું આ આંદોલન 20 જૂને શરૂ થયું હતું, જે 36 દિવસ સુધી ચાલ્યું. 25 જુલાઈએ જ્યારે સરકારે વિદ્યાર્થીઓની બાકીની માંગણીઓ સ્વીકારી લીધી અને તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, ત્યારે જઈને આ પ્રદર્શન સમાપ્ત થયું હતું.
પિતા સાથે રાજકારણ અંગે નથી કરતી વાત
યશસ્વિનીના પિતા વિક્રમ સિંહ યુપીની ફતેહપુર સદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે, 2024ની ચૂંટણીમાં તેમને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચંદ્ર પ્રકાશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાના નિવેદનો અને પારિવારિક રાજકીય પૃષ્ઠભૂમિ વચ્ચેના તાલમેલ અંગે યશસ્વિનીએ સ્પષ્ટ કર્યું કે તે પોતાના પિતા સાથે રાજકારણ અંગે કોઈ વાત કરતી નથી.