Sun Sep 06 2026

Logo

પેસ બોલર યશ દયાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે? આરસીબીએ આખી આઇપીએલની બહાર કર્યો

2026-03-24 16:52:00
Author: Ajay Motiwala
પેસ બોલર યશ દયાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે? આરસીબીએ આખી આઇપીએલની બહાર કર્યો

બેંગ્લૂરુઃ આઇપીએલની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના વિવાદાસ્પદ પેસ બોલર યશ દયાલ આ વખતની આઇપીએલની સીઝનમાં આરસીબીની ટીમમાં નહીં જોવા મળે એવી જાહેરાત ફ્રૅન્ચાઇઝીએ કરી છે, પરંતુ તેની સાથેનો કૉન્ટ્રૅક્ટ અકબંધ રાખવામાં આવશે. યશ દયાલ સામે બે મહિલાએ જાતીય શોષણના જે આક્ષેપ કર્યા છે એ સંબંધમાં કેસ ચાલી રહ્યા છે એટલે ફ્રૅન્ચાઇઝીએ એ બાબતને તેના અંગત કારણ તરીકે ગણાવીને તેને આ વખતની ટૂર્નામેન્ટની બહાર રાખવાનું નક્કી કર્યું છે. બીજા એક અહેવાલમાં જણાવાયું હતું કે યશ દયાલ અદાલતમાં ચાલી રહેલા તેના બે કેસને કારણે આ વખતે આરસીબીની ટીમ સાથે નહીં જોડાય.

2024માં પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રેકટ કર્યો

યશ દયાલે આરસીબી સાથે 2024ની સીઝન પહેલાં જે કૉન્ટ્રૅક્ટ કર્યો એ મુજબ તેને એક સીઝનના પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે. જોકે તે સીઝન દરમ્યાન જેટલી મૅચ રમે એટલી જ મૅચના તેને પૈસા મળે. જોકે તેનો કૉન્ટ્રૅક્ટ (Contract) રદ નથી કરાયો, પરંતુ આ વખતની સીઝનમાં તે નહીં જોવા મળે. આરસીબીનું ફ્રૅન્ચાઇઝી યશ દયાલના બે અદાલતી કેસ સંબંધમાં તેની સાથે સતત સંપર્કમાં રહેશે.

આક્ષેપો વચ્ચે ગયા મહિને કર્યા લગ્ન

યશ દયાલે ગયા મહિને શ્વેતા પુંડિર નામની ક્ન્ટેન્ટ ક્રીએટર સાથે લગ્ન કર્યા હતા. જોકે યશ દયાલ (Yash Dayal) વિરુદ્ધ અદાલતમાં જે બે કેસ ચાલી રહ્યા છે એમાંના બીજા કેસમાં તેને જામીન નથી મળ્યા અને એ કિસ્સામાં વધુ તપાસ ચાલી રહી છે.

યશ દયાલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલાને લગ્નની લાલચ આપીને તેનું જાતીય શોષણ કર્યું હોવાનું મહિલાનો આરોપ છે. અલાહાબાદ હાઈ કોર્ટે એ કિસ્સામાં યશ દયાલને ધરપકડ સામે રક્ષણ આપતો ચુકાદો આપ્યો છે. જોકે જયપુરના યશ દયાલ વિરુદ્ધના વધુ ગંભીર કિસ્સા સંબંધમાં રાજસ્થાન હાઈ કોર્ટે તેને સંભવિત ધરપકડ સામે રક્ષણ આપવાનો ઇનકાર કર્યો છે. આ કિસ્સો એવો છે જેમાં ટીનેજ છોકરીએ આક્ષેપ કર્યો છે કે તે 2023માં પહેલી વખત યશ દયાલના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ બે વર્ષ સુધી તેને ક્રિકેટમાં કરીઅર બનાવવામાં મદદ કરવાની કથિત લાલચ આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું.