Wed Aug 19 2026

Logo

15 વર્ષના IPL સ્ટાર વૈભવ સૂર્યવંશીનો ફેન બન્યો ડ્રૂ મેકઇન્ટાયર, જર્સી પહેરીને શેર કર્યો વીડિયો

2026-05-27 12:26:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી રહેલા 15 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ હવે સાત સમુંદર પાર પહોંચી ગયો છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફથી રમતા આ બેટ્સમેનનો ફેન ફોલોઇંગ ગ્રાફ એટલો ઝડપથી વધ્યો છે કે હવે WWE ના સુપરસ્ટાર પણ તેના રંગમાં રંગાયા છે. તાજેતરમાં જ ભૂતપૂર્વ WWE ચેમ્પિયન ડ્રૂ મેકઇન્ટાયરે (Drew McIntyre) વૈભવની જર્સી પહેરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

IPL સ્ટાર વૈભવ સૂર્યવંશીનો ફેન બન્યો ડ્રૂ મેકઇન્ટાયર

WWE ના દિગ્ગજ રેસલર ડ્રૂ મેકઇન્ટાયરે ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પોતાની હેવી વર્કઆઉટ ટ્રેનિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ખાસ વાત એ છે કે સ્કોટલેન્ડના આ રેસલરે વૈભવ સૂર્યવંશીના નામની જર્સી પહેરેલી છે. વીડિયો શેર કરતા મેકઇન્ટાયરે કેપ્શનમાં લખ્યું - ‘Chosen One’. જો કે, આ પોસ્ટમાં તેણે વૈભવના નામનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ જર્સી પરથી સ્પષ્ટ દેખાય છે કે આ રેસલિંગ ચેમ્પિયન ભારતના આ ઉભરતા ક્રિકેટ સ્ટારના પ્રદર્શનથી અત્યંત પ્રભાવિત છે. આ અણધાર્યા ક્રોસઓવરના કારણે ક્રિકેટ અને રેસલિંગ બંનેના ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનો દબદબો

ક્રિકેટની વાત કરવામાં આવે તો, માત્ર 15 વર્ષની નાની ઉંમરે પોતાની બીજી જ IPL સીઝન રમી રહેલા વૈભવ સૂર્યવંશીએ આ વર્ષે રાજસ્થાન રોયલ્સને પ્લેઓફ  સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મેચમાં ગમે તેવી સ્થિતિ હોય તો પણ આક્રમક બેટિંગ અને વિશ્વના ટોચના બોલરો સામે નીડર થઈને રન બનાવીને વૈભવ આ સીઝનનો સૌથી મોટો બ્રેકથ્રુ સ્ટાર સાબિત થયો છે.

કોણ છે ડ્રૂ મેકઇન્ટાયર?

વૈભવની જર્સી પહેરીને વાયરલ થયેલા ડ્રૂ મેકઇન્ટાયર WWE ના ઇતિહાસના સૌથી સફળ અને લોકપ્રિય રેસલર્સમાંના એક છે.  ડ્રૂ મેકઇન્ટાયરે 4 વખત વર્લ્ડ હેવીવેઇટ અને WWE ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા છે. તેમણે વર્ષ 2020માં 'મેન્સ રોયલ રમ્બલ' અને 2024માં 'મની ઇન ધ બેંક' નો ખિતાબ જીત્યો હતો. કોડી રોડ્સ અને ડોલ્ફ ઝિગલર જેવા દિગ્ગજો સાથે તેઓ ટેગ ટીમ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે.