દરેક દેશના નાગરિક માટે તેના દેશનું ચલણ સૌથી વિશેષ અને સુંદર હોય છે, કારણ કે આ ચલણી નોટ વિના રોજબરોજના જીવનમાં જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવામાં સહુલિયત રહે છે. જોકે, સામાન્યપણે કોઈપણ ચલણની કિંમત તેની આર્થિક વેલ્યુ પરથી નક્કી કરવામાં આવતી હોય છે, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા છે જેમણે પોતાની ચલણી નોટોને એટલી સુંદર રીતે ડિઝાઈન કરે છે કે તે માત્ર એક ચલણી નોટ ન રહેતાં એક સુંદર કલાકૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવ ભરી પરિસ્થિને કારણે ડોલરની સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, ત્યારે ચાલો આજે જાણીએ દુનિયાની સૌથી સુંદર ગણાતી ચલણી નોટ કયા દેશની છે અને આ યાદીમાં આપણા મેરા ભારત મહાનનું સ્થાન કેટલામુ છે. તાજેતરમાં જ સામે આવેલા એક અહેવાલ અનુસાર, વિશ્વની સૌથી સુંદર અને સુરક્ષિત કરન્સી ધરાવતા દેશોની યાદીમાં સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ભારત જેવા દેશ અગ્રેસર છે. આવો જાણીએ આ દેશોની નોટોની ખાસિયતો વિશે:
સ્વિટ્ઝરલેન્ડઃ
સુંદરતાની સરખામણીમાં સ્વિટ્ઝરલેન્ડનું ચલણ 'સ્વિસ ફ્રેંક' (Swiss Franc) વિશ્વમાં સૌથી ટોચ પર આવે છે. વાત કરીએ આ ચલણી નોટની ખાસિયત વિશે તો આ નોટો આડી એટલે કે હોરિઝોન્ટલને બદલે ઊભી એટલે કે વર્ટિકલ ડિઝાઈન કરવામાં આવી છે, જે તેને વધારે આકર્ષક બનાવે છે.

આ ઉપરાંત સ્વિસ નોટો પર કોઈ પ્રખ્યાત વ્યક્તિ કે નેતાના ફોટો નથી હોતા, પરંતુ તેના બદલે વૈજ્ઞાનિક સિદ્ધાંતો, સંગીત, માનવ હાથના હાવભાવ અને ગ્લોબ જેવા વૈશ્વિક વિષયોને અદભુત રંગો સાથે કંડારવામાં આવ્યા છે.
કેનેડાઃ
કેનેડાની કરન્સી તેની સુંદરતાની સાથે સાથે પોતાની અનોખી બનાવટ માટે દુનિયાભરમાં વખણાય છે. કેનેડાના ચલણી નોટની ખાસિયત વિશે વાત કરીએ તો કાગળના બદલે સ્પેશિયલ 'પોલિમર'માંથી નોટો બનાવી છે. કેનેડાની નોટોમાં એક ખાસ 'ટ્રાન્સપરન્ટ વિન્ડો' રાખવામાં આવી છે, જેમાં હોલોગ્રામ જેવી આધુનિક સુરક્ષા સુવિધાઓ છે. આ નોટો સરળતાથી ફાટતી નથી અને પાણીમાં પણ ખરાબ થતી નથી.

ન્યૂઝીલેન્ડઃ
ન્યૂઝીલેન્ડની નોટો જોતાં જ પ્રકૃતિપ્રેમીઓ (Nature Lovers)ના દિલ જીતાઈ જાય છે. આ દેશ પણ પોતાની નોટો માટે પોલિમર મટીરિયલનો ઉપયોગ કરે છે. આ નોટો પર ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત અને લુપ્ત થતા સુંદર પક્ષીઓ, સ્થાનિક વનસ્પતિઓ અને ત્યાંના નયનરમ્ય કુદરતી લેન્ડસ્કેપ્સના ફોટો જોવા મળે છે. જે દેશની પર્યાવરણીય સુંદરતાનું પ્રતિબિંબ આયનો છે.

ભારતઃ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ દુનિયાની સૌથી સુંદર કરન્સીમાં ભારતીય રૂપિયાની નોટનો સમાવેશ પણ થાય છે. આપણી ભારતીય કરન્સી પણ સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં અનન્ય સ્થાન ધરાવે છે. વર્ષ 2016માં નોટબંધી બહાર પાડવામાં આવેલી નવી ચલણી નોટોની ડિઝાઈન નવેસરથી તૈયાર કરવામાં આવી છે અને આ ચલણી નોટ પર ભારતની ભવ્ય વિરાસતને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય નોટોના રંગો (જેમ કે મેજેન્ટા, સ્ટોન ગ્રે, લેવન્ડર અને ચોકલેટ બ્રાઉન) તેને ખૂબ જ આકર્ષક બનાવે છે. આ ઉપરાંત દરેક નોટની પાછળ ભારતના ઐતિહાસિક સ્મારકો જેવા કે લાલ કિલ્લો (રૂપિયા 500), રાણી કી વાવ (રૂપિયા 100), સાંચીનો સ્તૂપ (રૂપિયા 200) અને કોણાર્કનું સૂર્ય મંદિર (રૂપિયા 10) દર્શાવવામાં આવ્યા છે, જે ભારતના ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવે છે.
ચલણી નોટની સિક્યોરિટી ફિચર્સ
ચલણી નોટોની સુંદરતા માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી હોતી, પરંતુ તેમાં રાખવામાં આવેલા આબેહૂબ રંગો અને વોટરમાર્ક તેને નકલી નોટો (Counterfeiting) સામે સુરક્ષા આપે છે. જો કે, વૈશ્વિક બજારમાં નોટની સુંદરતા કરતાં તેની આર્થિક મજબૂતી અને ખરીદશક્તિ (Value) વધુ માયને રાખે છે, જ્યાં હાલ અમેરિકન ડોલર સામે વિશ્વના ઘણા ચલણો સતત પડકારનો સામનો કરી રહ્યા છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...