Fri Sep 04 2026

Logo

World Coconut Day: જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં નાળિયેર બન્યું હતું 'જીવલેણ બોમ્બ'! જાણો જાપાની સેનાના 'કોકોનટ ગ્રેનેડ'નો રોચક ઈતિહાસ

2026-09-02 15:49:21
Author: Darshana Visaria
World Coconut Day: જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં નાળિયેર બન્યું હતું 'જીવલેણ બોમ્બ'! જાણો જાપાની સેનાના 'કોકોનટ ગ્રેનેડ'નો રોચક ઈતિહાસ

આજે એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ નાળિયેર દિવસ' (World Coconut Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2009માં 'એશિયન એન્ડ પેસિફિક કોકોનટ કોમ્યુનિટી' દ્વારા નાળિયેરની ઉપયોગિતા, આરોગ્યપ્રદ ગુણો અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...

આપણે સૌ જાણીએ છીએ કે નાળિયેરનું પાણી, તેલ અને તેનું ફળ પૂજાથી લઈને સ્વાસ્થ્ય સુધી અત્યંત લાભદાયી છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ જીવનદાયી નાળિયેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક ભયાનક હથિયાર સાબિત થયું હતું? બીજા વિશ્વયુદ્ધના ઈતિહાસમાં જાપાની સૈન્ય દ્વારા અમેરિકન સૈનિકો સામે અસલી નાળિયેરનો ઉપયોગ 'કોકોનટ ગ્રેનેડ' એટલે કે નાળિયેર બોમ્બ તરીકે કરવામાં આવ્યો હતો.

વર્ષ 1944ની આસપાસ પ્રશાંત મહાસાગરના ફિલિપાઈન્સ, પાપુઆ ન્યૂ ગિની અને લેયટે જેવા ટાપુઓ પર અમેરિકી સેનાએ જાપાની સપ્લાય શિપ્સને ડુબાડી દીધા હતા. જેના કારણે જાપાની સૈનિકો પાસે પરંપરાગત હથિયારો, ગોળીઓ અને રાશન ખતમ થઈ ગયા હતા.

જાપાની યુદ્ધનીતિમાં શરણાગતિ સ્વીકારવાની મનાઈ હોવાથી સૈનિકોએ ટાપુઓ પર પુષ્કળ પ્રમાણમાં ઉગતા નાળિયેરનો ઉપયોગ કરીને 'ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ' બનાવવાનું નક્કી કર્યું. જંગલોમાં જમીન પર સેંકડો નાળિયેર પડેલા રહેતા હોવાથી અમેરિકન સૈનિકો માટે એ ઓળખવું અશક્ય હતું કે કયું સાચું નાળિયેર છે અને કયો ઘાતક બોમ્બ.

કેવી રીતે બનતો હતો 'કોકોનટ ગ્રેનેડ'?
જાપાની સૈનિકો નાળિયેરના ઉપરના ભાગમાં એક નાનું કાણું પાડીને પાણી અને મલાઈ બહાર કાઢી લેતા હતા. અંદરની ખાલી જગ્યામાં ગનપાઉડર (બારૂદ) અને પિક્રિક એસિડ જેવું વિસ્ફોટક કેમિકલ ભરવામાં આવતું હતું. વિસ્ફોટને અત્યંત જીવલેણ બનાવવા માટે તેમાં લોખંડની ખીલીઓ, કાચના ટુકડા, તીક્ષ્ણ પથ્થરો અને ધાતુની કરચો ભરી દેવામાં આવતી હતી. કાણા પર ડિટોનેટર અથવા વાટ લગાવીને તેને મીણ કે ગુંદરથી સીલ કરી દેવામાં આવતું હતું જેથી વરસાદ અને ભેજથી બારૂદ સુરક્ષિત રહે.

યુદ્ધના મેદાનમાં ઉપયોગ અને અમેરિકન સૈનિકોમાં માનસિક ભય:
હાથગોળા અને લેન્ડમાઈન તરીકે ઉપયોગ: સૈનિકો તેને સામાન્ય હેન્ડ ગ્રેનેડની જેમ ફેંકતા તેમજ રસ્તાઓ પર છુપાવીને વાયર સાથે જોડી 'લેન્ડમાઈન' તરીકે ઉપયોગ કરતા. પગ અડતાં જ જોરદાર બ્લાસ્ટ થતો હતો. અમેરિકી આર્મી માટે ચેતવણી બુલેટિન: આ અદ્રશ્ય હથિયારથી અમેરિકન સૈનિકોમાં એટલો ભય ફેલાયો હતો કે અમેરિકી મિલિટ્રી ઈન્ટેલિજન્સે સત્તાવાર એડવાઈઝરી જારી કરી આદેશ આપ્યો હતો કે જંગલમાં પડેલા કોઈપણ નાળિયેરને લાત ન મારવી કે હાથ ન અડાડવો.