Thu Oct 01 2026

Logo

ગુજરાતમાં  પર્યાવરણીય ટકાઉપણાના સંકલ્પ સાથે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026 નું સમાપન

2026-09-16 21:22:19
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં  પર્યાવરણીય ટકાઉપણાના સંકલ્પ સાથે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026 નું સમાપન

ગાંધીનગર: ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વૈશ્વિક સ્તરની 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026 ' (WCEF 2026) ની ૧૦મી આવૃત્તિનું સમાપન થયું હતું. જેમાં પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનોને વૈશ્વિક પ્રોત્સાહન આપવા માટે 'ઇકોમાર્ક' (Eco-mark)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ટકાઉ વિકાસ અને 'સર્ક્યુલર ઇકોનોમી' માટેની કાર્યયોજનાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી  પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બની રહ્યું છે.  ગુજરાતની 'વેસ્ટ ટુ એનર્જી પોલિસી-૨૦૨૨' કચરામાંથી નવીનીકરણીય ઊર્જાના સર્જનનું મજબૂત માળખું ધરાવે છે, જ્યારે 'ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-૨૦૨૬' ઉત્પાદનોના રિપેર, રિ-યુઝ અને રિ-મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી સંસાધનોના મહત્તમ અને લાંબા સમય સુધી ઉપયોગ પર વિશેષ ભાર મૂકે છે.

સર્ક્યુલર ઈકોનોમી આર્થિક અને સામાજિક વિકાસની તક 

જયારે ફિનલેન્ડના પર્યાવરણ અને જળવાયુ મંત્રી  સારી મુલ્તાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે પોતાના વ્યાપ, ઉદ્યોગસાહસિક ભાવના અને ડિજિટલ નવીનતાઓ દ્વારા વિશ્વ સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે કે સર્ક્યુલર ઈકોનોમી માત્ર પર્યાવરણીય ખ્યાલ નથી, પરંતુ આર્થિક અને સામાજિક વિકાસની એક અભૂતપૂર્વ તક છે.

ગુજરાતે પર્યાવરણીય સંવર્ધન ક્ષેત્રે પ્રગતિ કરી 

સમાપન પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, ગુજરાત ઝડપી ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંવર્ધન વચ્ચે ઉત્કૃષ્ટ સંતુલન જાળવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય માત્ર સિદ્ધાંતો સુધી મર્યાદિત ન રહેતાં, એશિયાના સૌથી મોટા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)નેટવર્ક દ્વારા ઔદ્યોગિક દૂષિત જળને પુનઃવપરાશ યોગ્ય બનાવીને અને 'ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ' તરફ ગતિ કરી વ્યવહારિક સ્તરે સર્ક્યુલરિટીનું સુદ્રઢ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે