Sat Sep 12 2026

Logo

વિશ્વ બૅન્કે નાણાકીય વર્ષ 2027 માટે ભારતના વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.6 ટકા મૂક્યો  મધ્યપૂર્વની કટોકટીની અસર અંગે ચિંતા

2026-04-09 19:32:18
Author: Ramesh Gohil
વિશ્વ બૅન્કે નાણાકીય વર્ષ 2027 માટે ભારતના વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.6 ટકા મૂક્યો  મધ્યપૂર્વની કટોકટીની અસર અંગે ચિંતા

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના આરંભિક તબક્કામાં આરંભિક તબક્કે જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ગ્રાહકલક્ષી માગનો ટેકો જળવાઈ રહશે, પરંતુ મધ્યપૂર્વની કટોકટીની અનિશ્ચિતતાની વૃદ્ધિદર પર માઠી અસર પડી શકે છે. તેમ છતાં વિશ્વ બૅન્કે બુધવારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનાં જીડીપી (ગ્રોસ ડૉમૅસ્ટિક પ્રોડક્ટ)માં વૃદ્ધિનો અંદાજ સાધારણ વધારીને 6.6 ટકા મૂક્યો છે. અગાઉ વિશ્વ બૅન્કે ગત જાન્યુઆરીમાં તેના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.5 ટકાનો વ્યક્ત કર્યો હતો.

નોંધનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ માટેના જીડીપીનો અંદાજ 6.9 ટકાનો મૂક્યો છે, ઓઈસીડી (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કૉ ઑપરેશન ઍન્ડ ડેવલોપમેન્ટ) રાષ્ટ્રો દ્વારા 6.1 ટકાનો અને મૂડીઝ રેટિંગ્સ દ્વારા  6 ટકા વૃદ્ધિદરનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વિશ્વ બૅન્કે આજે સાઉથ એશિયા ઈકોનોમિક અપડેટ અહેવાલમાં જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2026માં મજબૂત સ્થાનિક માગ અને નિકાસ જળવાયેલી રહેતાં ભારતનો આર્થિક વૃદ્ધિદર નાણાકીય વર્ષ 2025ના 7.1 ટકા સામે વધીને 7.6 ટકા રહ્યો હતો. ખાસ કરીને ગત સાલ ફુગાવાનો નીચો દર અને ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના દરનું તાર્કિકરણ કરવામાં આવતાં ખાનગી વપરાશમાં માગ પ્રબળ રહી હતી. એકંદરે મધ્યપૂર્વના વિવાદની અપેક્ષિત માઠી અસરને કારણે નાણાકીય વર્ષ 2027માં વૃદ્ધિ દર આગલા વર્ષની તુલનામાં ઘટીને 6.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હોવાનું વિશ્વ બૅન્કે ઉમેર્યું હતું. 

નાણાકીય વર્ષ 2027ના પહેલા છમાસિકગાળામાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાથી સ્થાનિક માગને ટેકો મળશે તેમ છતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી ભાવલક્ષી દબાણ વધશે અને ઘરગથ્થુ ધોરણની ફાઝલ આવકમાં ઘટાડો થશે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું. વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે રાંધણ માટેનાં ઈંધણ અને ખાતર માટે વધુ સબસિડી ખર્ચ કરવા માટે સરકારી વપરાશ વૃદ્ધિ મંદ રહેવાની અપેક્ષાની સાથે ઈનપૂટ ખર્ચમાં વધારો અને અનિશ્ચિતતાનું પ્રમાણ વધતાં રોકાણ વૃદ્ધિ ધીમી રહેવાની શક્યતા છે. જોકે, નિકાસ ક્ષેત્રે અમેરિકા અને યુરોપિયન યુનિયનના એક્સેસમાં સુધારો જોવા મળતા મુખ્ય ભાગીદારોમાં નિકાસ વૃદ્ધિ ધીમી પડશે, એમ અહેવાલમાં જણાવ્યું હતું. 

વધુમાં વિશ્વ બૅન્કે અહેવાલમાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વની કટોકટીની અસર અત્યંત અનિશ્ચિત છે અને અન્ય આગાહીકારોએ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 5.9 ટકાથી 6.7 ટકાની રેન્જમાં મૂક્યા છે. નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર લશ્કરી હુમલા કર્યા હતા અને તેના વળતા જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ અને અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલા કર્યા હતા અને વિશ્વભરમાં ક્રૂડતેલના વેપારો ખોરવાયા હતા.  જોકે ગત આઠમી એપ્રિલના રોજ અમેરિકા અને ઈરાન બે સપ્તાહના યુદ્ધ વિરામ માટે સહમત થયા હતા.