Fri Apr 17 2026

Logo

અલખનો ઓટલો- કોણ આવશે આગળ? આપણી વિસરાતી વિરાસતને બચાવવા?

2026-02-23 11:07:00
Author: Mumbai Samachar Team
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

આજે ધીરેધીરે લોકવિદ્યાના જાણકાર મરમીઓની પરંપરા લૂપ્ત થઈ રહી છે. સાચા લોક ગાયકો, ભજનિકો, દૂહાગીરો, વાર્તાકારો, નાટયકલાકારોની પેઢી વિનાશને આરે ઊભી છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર નીચે ગામડાંઓની કળા ધીરેધીરે ઘસાતી રહી છે, ત્યારે સાહિત્ય, સંગીત, ઈતિહાસ, કલા, પુરાતત્વ, ધર્મ, લોક માન્યતાઓ, રીતરિવાજો, પરંપરિત વિધિવિધાનો અને ભવ્ય સંસ્કાર વારસાની પરંપરાઓ વિશે સર્વાંગ સંપૂર્ણ સંશોધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

ગુજરાતના ગામડાઓમાં લોકનૃત્યકારોની મંડળીઓ, ભજન મંડળીઓ, લોકનાટય-ભવાઈના મંડળો, મનોરંજક કલાઓની રજુઆત કરતા લોકકલાકારો, આખ્યાનકારો, લોકવાર્તાકથકો, લોકગાયકો ધીરેધીરે અદ્રશ્ય થતાં જાય છે. રજુઆતની કલાઓની સુવિશાળ પરંપરા આજે મનોરંજક વિજાણુ માધ્યમોને કારણે-ટી. વી. ચેનલ તથા મોબાઈલના યુગમાં-મૃત્યુને આરે પહોંચી ગઈ છે, છતાં એના જીવંત અવશેષો એટલા જ પ્રાણવાન છે. 

આજે પરંપરિત કલાકારોની કલા ઉપર સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને મનોરંજક તત્ત્વો ધરાવતા વિદેશી સંગીતનું આક્રમણ એટલી હદે થયું છે કે આકાશવાણી કે દૂરદર્શન જેવી સંસ્થાઓ પાસે પણ અસલ-તળપદી જૂની પરંપરાગત લોકવિદ્યાઓના કલાધરો ઉપલબ્ધ નથી. ગામડાઓમાં ગણ્યાગાંઠયા પાંસઠ-સિત્તેરની ઉંમર વટાવી ચૂકેલા લોકકલાકારો પાસે જ એ સ્વર-શબ્દ-સંગીત જળવાયાં છે. અમુક મંડળીઓ પૂરતું જ એ જ્ઞાન સીમિત છે, ખરેખર તો કંઠસ્થ પરંપરાથી ઊતરી આવેલું અને ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્ય ધીરે ધીરે લૂપ્ત થઈ રહ્યું છે.

લોકકંઠે જેમની સેંકડો રચનાઓ સચવાઈ રહી છે અને છતાં સાહિત્યના ઈતિહાસમાં જેની નાનકડી અમસ્તી નેાંધપાત્ર પણ નથી મળતી એવા કેટલાય સાહિત્ય સાહિત્ય સર્જક સંત-ભક્ત કવિઓ લોકકવિઓથી ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ અજાણ છે. ત્યારે અભ્યાસીઓ-સંશોધકો-વિદ્યાર્થીઓ માટે તદ્ન નવી વિશાળ ફલક ધરાવતી સંશોધન દિશા આપણી રાહ જોઈ રહી છે.   

ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનો કેવો ભવ્ય ઉજ્જવળ વારસો પરંપરાથી લોકોમાં સચવાતો રહ્યો છે તેનું નિદર્શન જગતભરના લોકવિદ્યાના અભ્યાસીઓ સમક્ષ કરાવી શકાય એ માટે નાત, જાત, ધર્મ, પંથ, સંપ્રદાય, જ્ઞાતિ, ભાષા, પક્ષ કે પ્રદેશના ભેદભાવ વિના લોકોમાં તમામ પ્રકારની કેળવણીનો પ્રચાર-પ્રસાર થાય, શિક્ષણ, આરોગ્ય, સાહિત્ય, લલિત અને લલિતેતર કલાઓ, લોકવિદ્યા, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકકલાઓ, ભારતીય સંતસાહિત્ય, ચારણી- બારોટી સાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીતના એકત્રીકરણ, સંશોધન, સંપાદન, સ્વરાંકન, પ્રકાશન, અધ્યયન- સંશોધન અને ઉત્કર્ષ માટે ગ્રંથોનું પ્રકાશન થાય, વ્યાખ્યાનમાળાઓ, પરિસંવાદો, મેળાઓનું આયોજન કરનારી એક સંસ્થા હોય અને જે માત્ર ને માત્ર આપણી લૂપ્ત થતી રહેલી ભવ્ય વિરાસતનું જતન કરે એ આજના સમયની માગ છે.

આવી સંસ્થા દ્વારા લોકસમુદાય, એની બોલી-ભાષા, સંસ્કૃતિ, રીતરિવાજો, સંગીત, ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય, નૃત્ય, મેળા-ઉત્સવો, જાતિગત ખાસિયતો-વિભિન્નતાઓ; ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, રૂઢિગત પરંપરાઓ વગેરે લોકજીવનનાં સંપૂર્ણ પાસાંઓ વિશે સંશોધનકાર્ય થવું જોઈએ. 

આપણા મરમી કવિશ્રી મકરન્દભાઈના મનમાં એક સ્વપ્ન હતું. ભજન વિદ્યાપીઠ ઊભી કરવાનું. ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબ સાથેના એમના પત્રવ્યવહારના પુસ્તક ‘સેતુબંધ’માં એમણે અને ભાયાણીસાહેબે આ અંગે ખૂબ જ વિચારણા અને ચિંતાઓ પ્રગટ કરેલી, એ પછી નિરંજન રાજ્યગુરુ સાથેના પત્રવ્યવહારના પુસ્તક ‘મરમ જાણે મકરન્દા’માં પણ મકરન્દભાઈએ ભજન-સંતવાણીના સંશોધન અંગે પોતાના વિચારો પ્રગટ કરેલા. એ સિવાય પણ અનેક મિત્રોને લખેલા પત્રોમાં મકરન્દભાઈએ આ પ્રવૃત્તિનો મનોરથ સેવેલો.

ભજનગાનનું એક ચોક્ક્સ વિજ્ઞાન છે, એક તો જાણે એ નાદબ્રહ્મની ઉપાસના છે. એની સાથે ચોક્ક્સ સાધના સાથેનો શબ્દ જોડાયેલો છે. એનો અર્થ છે, પરંપરા છે. એની પરિભાષા છે. પણ તેની સાથે-સાથે એ શબ્દ જ્યારે ગવાય છે, સ્વરમાં આવે છે ત્યારે સાહજિક રીતે જ એનો પ્રભાવ અનેકગણો થઈ જાય છે. એક ભજનિક જ્યારે ભજન ગાવા બેઠો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેણે પલાંઠી વાળી બેસવું પડે. પદ્માસન આપોઆપ વળી જાય. એના ખોળામાં રામસાગર હોય. જે તેને તાલ સ્વર અને સૂર આપે તેવું લોકવાદ્ય છે. 

ભજનિકને ભજનના શબ્દો યાદ રાખવા પડે, તો જ એ ગાઈ શકે. તે સાથે સાથે શબ્દોના આરોહ-અવરોહ, રાગના ભાવ મુજબ તેના શ્વાસોનું નિયમન આપોઆપ થાય. જે ભજન જે સ્વરોનું હોય એ સ્વર સુધી એણે પોતાના અવાજને પહોંચાડવાનો હોય. એટલે ત્યાં સુધી પહોંચવા તેણે પ્રાણ ઉપર નિયંત્રણ રાખવું જ પડે. પ્રાણ ઉપર નિયંત્રણ રાખે એટલે સહજ રીતે એના પ્રાણની ગતિ ભજનના લયની ગતિ સાથે એકરૂપ થાય. 

એની સાથે તેની સૂરતા તો શબ્દમાં જ હોય. શબ્દમાં એની સૂરતા રમમાણ હોય. લગન, ધ્યાન, તલ્લીનતા ભજનમાં જ હોય. તેનો અર્થ એ જાણતો હોય કે આ વિરહનું ભજન છે કે મસ્તીનું ભજન છે. ગુરુમહિમાનું પદ હોય કે ઉપદેશનું પદ છે તે તેને ખબ2 હોય. ભજન જ્યારે ગવાતું હોય ત્યારે ગાયક તો એ ભાવમાં હોય પણ આખો શ્રોતાસમુદાય પણ એ જ ભાવમાં હોય. તેવી સમજથી ભજનો ગવાતાં. આજે એ પરંપરા લુપ્ત થવાને આરે છે ત્યારે એને એના મૂળ સ્વરૂપે જાળવી લેવાનો પ્રયાસ કરવો એ આજની તાતી જરૂરિયાત છે.