નવી દિલ્હીઃ ભારતમાં 2 મે 2026ના રોજ લાખો મોબાઈલ ફોન પર એકસાથે ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. NDMA દ્વારા દેશભરમાં 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં કોઈપણ કુદરતી આપત્તિ સમયે લોકોના સત્વરે જાણ કરી શકાશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી મજબૂત એલર્ટ સિસ્ટમ કયા દેશ પાસે છે?
જાપાનનું J-Alert વિશ્વની સૌથી ઝડપી સિસ્ટમ
જાપાનની J-Alert સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક ઇમરજન્સી સિસ્ટમ માનવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. આ સિસ્ટમ એટલી એડવાન્સ છે કે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના સેકન્ડોમાં આખા દેશમાં ચેતવણી જાહેર કરી શકે છે. આ પ્રણાલી 'સુપરબર્ડ-B3' સેટેલાઈટ દ્વારા સંચાલિત થાય છે, જે પલક ઝપકતા જ ડેટા ટ્રાન્સમિટ કરે છે.
માત્ર 4 થી 20 સેકન્ડમાં લોકો સુધી મેસેજ પહોંચી જાય
સરકારી એજન્સી દ્વારા ચેતવણી જારી થયાના માત્ર 4 થી 20 સેકન્ડમાં માહિતી જનતા સુધી પહોંચી જાય છે. આ એલર્ટ માત્ર મોબાઈલ સુધી સીમિત નથી, પણ ટીવી, રેડિયો અને શહેરના લાઉડસ્પીકરો સાથે પણ જોડાયેલું છે. જો તમારો મોબાઈલ 'સાયલન્ટ મોડ' પર હશે, તો પણ તે મોટેથી સાયરન વગાડશે.
આ સિસ્ટમ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પણ જોડાયેલી છે
જીવન રક્ષક સુવિધાની વાત કરવામાં આવે તો, આ સિસ્ટમ માત્ર એલર્ટ નથી આપતી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પણ સીધી જોડાયેલી છે. જેમ કે, એલર્ટ મળતા જ બુલેટ ટ્રેનો સહિત તમામ ટ્રેનો આપોઆપ ઉભી રહી જાય છે. આ સાથે બિલ્ડિંગની લિફ્ટ નજીકના ફ્લોર પર ઊભી રહીને આપમેળે ખુલી જાય છે. આગ જેવી દુર્ઘટના રોકવા માટે ગેસ પાઈપલાઈનનો સપ્લાય આપોઆપ બંધ થઈ જાય છે. એટલે એવું કહી શકાય આ સિસ્ટમ આખા દેશ સાથે કનેક્ટ છે.