અમદાવાદઃ ગુજરાતમાં એક સમાજે પોતાની સહકારી બેંક બનાવવાનો નિર્ણય લીધો હતો. પ્રજાપતિ સમાજે રાજ્યમાં વસતા સમાજના તમામ લોકોના આર્થિક સશક્તિકરણ માટે મોટી પહેલ કરીને 4 કરોડના શેર હોલ્ડિંગ સાથે સહકારી બેંક બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યના 40 હજાર આજીવન સભ્ય થાપણ મૂકી શકશે અને ધીરાણ મેળવી શકશે.
મળતી વિગત પ્રમાણે, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા સમાજના આર્થિક સશક્તિકરણ માટે SPSG કો ઓપરેટિવ બેંક સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે 5 વર્ષથી આયોજન ચાલતું હતું. હાલ RBIના નિયમ મુજબ દરખાસ્ત તૈયાર થઈ રહી છે. પ્રસ્તાવ મુજબ, શરૂઆતમાં 3 હજાર શેરહોલ્ડર સાથે રૂ. 4 કરોડનું હોલ્ડિંગ રખાશે. રિઝર્વ બેંકની માન્યતા મળ્યા બાદ સંચાલન માટે 21 ડિરેક્ટરનું બોર્ડ રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રજાપતિ સમાજનો પરંપરાગત વ્યવસાય માટીકામ સાથે જોડાયેલો છે. નાના વ્યવસાયકારો માટે કાચો માલ, સાધનો, ભઠ્ઠી, દુકાન તથા વ્યવસાયના વિસ્તરણ માટે મૂડીની જરૂરિયાત રહે છે. આવી જરૂરિયાત માટે આર્થિક સહાયની વ્યવસ્થા ઊભી કરવા બેંક સ્થાપવા પાછળના મુખ્ય હેતુઓ સામેલ છે.
બેંકિંગ ક્ષેત્રના નિયમો, શેર હૉલ્ડિંગ, સભાસદોની ભાગીદારી અને ડિરેકટર બોર્ડ સહિતની વ્યવસ્થા નક્કી કરીને પ્રસ્તાવિત બેંકને સાકાર કરવાની દિશામાં સમાજ આગળ વધી રહ્યો છે.