લતા મંગેશકરને મળતો અવાજના લેબલવાળી કારકિર્દી હોવા છતાં સુમન કલ્યાણપુર અનેક યાદગાર ગીતોને કારણે સ્મરણમાં રહેશે.
હેન્રી શાસ્ત્રી
લતા મંગેશકર એક એવો વિરાટ વડલો હતો જેની સામે ગીતા દત્ત, શમશાદ બેગમ, આશા ભોસલે અને સુમન કલ્યાણપુર સહિત અન્ય ઘટાદાર વૃક્ષ કાબેલિયત અનુસાર પ્રભાવશાળી સાબિત ન થઈ શક્યાં. એમાંય આશા ભોસલે અને સુમન કલ્યાણપુર એ બંને ગાયિકા ટોચનાં-અગ્રણી સંગીતકારો માટે પ્રથમ પસંદ નહોતાં-સેકન્ડ ચૉઇસ હતાં. અલબત્ત, એમની કારકિર્દીનું વિહંગાવલોકન કરતાં એ વાતનો જરૂર ખ્યાલ આવે છે કે અગ્રણી સંગીતકારો માટે એ અમુક તબક્કે પ્રથમ પસંદ બન્યાં હતાં જ્યારે લતા મંગેશકર કોઈ કારણસર ઉપલબ્ધ નહોતાં ત્યારે... સચિન દેવ બર્મન માટે લતાદીદી નંબર વન સિંગર હતાં.
જોકે ‘મિસ ઇન્ડિયા’ (1957)ના ગીત તૈયાર થઈ રહ્યાં હતાં ત્યારે બંને વચ્ચે ગેરસમજ થઈ અને બંનેએ એકબીજા સાથે કામ નહીં કરવાની જીદ પકડી અને આશા ભોસલેને એન્ટ્રી મળી. 1957થી પરિસ્થિતિ બદલવાની શરૂઆત થઈ જેના મૂળમાં ’મિસ ઇન્ડિયા’ ફિલ્મ હતી. લતાજીના નામ પર બર્મનદાએ ચોકડી મારી અને 1957થી 1963 દરમિયાન આશાજી એસ ડી.નાં નંબર વન ગાયિકા બની ગયાં. ઓ. પી. નય્યરને લતાદીદી સાથે વાંકું પડ્યું અને આશાજી તેમના નંબર વન સિંગર બની ગયાં. સુમન કલ્યાણપુર સાથે આ જ વાતનું પુનરાવર્તન થયું.
વાત છે 1960ના દાયકાની. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસે દિશામાં જો કોઈ નામ ગુંજતું હતું તો એ લતા મંગેશકર હતું. ટોચના દરેક સંગીતકાર એમની પાસે ગીત ગવડાવવા ઉત્સુક હતા. પુરુષ યુગલ ગીતોમાં દીદીની જોડી મોહમ્મદ રફી સાથે ખૂબ જામી હતી. રૉયલ્ટીના મુદ્દે લતા-રફી વચ્ચે અંટસ થઈ અને બંનેએ એકબીજા સાથે નહીં ગાવાનો નિર્ધાર કર્યો.
જોકે સંગીતકારો રફી સાથેના યુગલ ગીતનું આકર્ષણ ગુમાવવા નહોતા માગતા અને લતાદીદીના નનૈયાએ સુમન કલ્યાણપુર માટે નાનકડી જાજમ પાથરી દીધી અને આપણને એમનાં ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝુબાં પર’ (બ્રહ્મચારી), ‘પર્બતોં કે પેડો પર શામ કા બસેરા હૈ (શગૂન), ‘તુમને પુકારા ઔર હમ ચલે આએ’ (રાજકુમાર), ‘દિલ ને ફિર યાદ કિયા બર્ક સી લેહરાઈ હૈ’ (દિલ ને ફિર યાદ કિયા) જેવાં ઘણાં યાદગાર ગીતો મળ્યાં.
સુમન હેમાડી (પિયરની અટક)નો જન્મ 28 જાન્યુઆરી 1937માં. પરિવારમાં સંગીતને પ્રાધાન્ય હોવાથી સુમનજીની રુચિ સંગીત માટે કેળવાઈ એ સ્વાભાવિક હતું. 1952માં ઑલ ઇન્ડિયા રેડિયો માટે ગાવાની તક મળી અને એને પગલે મરાઠી ફિલ્મ માટે ગાવાનો મોકો મળ્યો. આ ગીત હિન્દી ફિલ્મોના પડછંદ ઍક્ટર અને ફિલ્મ નિર્માતા શેખ મુખ્તારને પસંદ પડી ગયું. તે ‘મંગુ’ (1954) નામની ફિલ્મ બનાવતા હતા અને એમાં તેમણે સુમન હેમાડી પાસે ગીત (કોઈ પુકારે ધીરે સે તુજે) ગવડાવ્યું અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની પધરામણી થઈ એવું ફિલ્મ ઇતિહાસના ચોપડે નોંધાયું છે.
જોકે એક એવી પણ માહિતી છે કે 1954માં જ રિલીઝ થયેલી ‘દરવાજા’ ફિલ્મનાં ગીતોની રેકૉર્ડ પ્રથમ બહાર પડી હતી. ‘દરવાજા’માં કુલ આઠ ગીત હતાં, જેમાંથી પાંચમાં સુમનજીની હાજરી હતી. બે સોલો, બે ગીતમાં ત્રણ ગાયિકા પૈકી એક અને એક ગીત હતું તલત મેહમૂદ સાથે ડ્યુએટ. આધારભૂત જાણકારી અનુસાર મુંબઈના એકાદા સંગીત કાર્યક્રમમાં તલતજીએ સુમનનું ગીત સાંભળ્યું અને પ્રભાવિત થયા અને એ સમયે સુમન હેમાડીની કોઈ ઓળખ ન બની હોવા છતાં તલતજી એમની સાથે ગાવા રાજી હતા. ‘દરવાજા’ માટે તલત મેહમૂદ સાથેના ‘એક દિલ દો હૈં તલબગાર બડી મુશ્કિલ હૈ’ યુગલ ગીતથી સુમન હેમાડીનું નામ ફિલ્મ વર્તુળમાં જાણીતું બની ગયું.
‘લતા મંગેશકરને મળતો અવાજ’ એ લેબલ સુમન કલ્યાણપુર માટે અવસર હતું કે આફત એ નક્કી કરવું આસાન નથી. તેમની પુત્રીના સંદર્ભ સાથે ભૂતકાળમાં વાંચેલો એક કિસ્સો આ બાબત પર પ્રકાશ પાડે છે.
એક સમયના દૂરદર્શન પર પ્રસારિત થતા ‘છાયાગીત’ નામના અત્યંત લોકપ્રિય કાર્યક્રમમાં સુમનજીએ ગાયેલું ખૂબ જ જાણીતું ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’નું ગીત ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે’ પ્રસારિત કરવામાં આવ્યું હતું. એ સમયે ટેલીવિઝન પર સરતચૂકથી લતા મંગેશકરની તસવીર દેખાડવામાં આવી હતી. દીકરીએ તરત પ્રસાર ભારતીને ફોન કરી જણાવ્યું કે ‘આ ગીત તો મારાં મમ્મી (સુમન કલ્યાણપુર)એ ગાયું છે.’ આ વાત જાણ્યા પછી ડીડીએ ભૂલ સુધારીને સ્પષ્ટતા કરી હતી કે નહીં એની જાણકારી નથી, પણ સુમન કલ્યાણપુર સાથે આવું ઘણી વાર બન્યું હતું એની જાણકારી અનેક લોકોને હતી.
એક બહુ જાણીતી કહેવત છે કે ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. સુમનજીના કેસમાં આ કહેવત ફેરવીને કહેવું જોઈએ કે ‘અમુક સફળ મહિલા પાછળ પુરુષનો હાથ હોય છે.’ 21 વર્ષની ઉંમરે મુંબઈના બિઝનેસમૅન રામાનંદ કલ્યાણપુર સાથે લગ્ન કરી સુમન હેમાડી સુમન કલ્યાણપુર બન્યાં. મિસ્ટર રામાનંદએ પત્ની ગૃહિણી બની ઘરનું બધું ધ્યાન રાખે અથવા બિઝનેસમાં મદદરૂપ થાય એવો કોઈ આગ્રહ ન રાખ્યો. બલ્કે ગાયિકા તરીકે કારકિર્દી આગળ વધારવા ઉત્તેજન આપ્યું.
રિયાઝ-તાલીમ નિયમિતપણે અને સમયસર થાય એની કાળજી રાખવા ઉપરાંત દરેક રેકૉર્ડિંગ વખતે સાથે જવા લાગ્યા. આ કોશિશને કારણે પિતાના અવસાન પછી ખાલીપો અનુભવતાં સુમનજીને માનસિક શાંતિ આધાર તો મળ્યા. રામાનંદજી કૉન્ટ્રેક્ટ, સંગીતકાર સાથેની મીટિંગ- સીટિંગ જેવી વિવિધ કાર્યકારી બાબતોનું ધ્યાન રાખતા હોવાથી સુમન કલ્યાણપુર માત્ર અને માત્ર ગાયકી પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં.
તે સ્ટુડિયો રેકૉર્ડિંગમાં વ્યસ્ત હોય ત્યારે ઘરકામની બધી જવાબદારીઓ રામાનંદજી સંભાળી લેતા. પરિણામે સુમનજી માટે સંગીત જ સંસાર બની ગયું. રસપ્રદ વાત એ છે કે પતિ પત્નીના દરેક ગીતના સાંગીતિક સ્વરૂપથી વાકેફ હતા અને સુમન કલ્યાણપુરના એન્સાઇક્લોપીડિયા તરીકે એમની ઓળખ બની ગઈ હતી. સુમનજીએ ગાયેલાં ગુજરાતી ગીતોની જાણકારી એમને હાથવગી રહેતી.
આશ્ર્ચર્યની વાત એ છે કે સુમન કલ્યાણપુરએ લતાદીદી સાથે પણ એક યુગલ ગીત ગાયું છે. લેખરાજ ભારતી લિખિત અને દિગ્દર્શિત અને બલરાજ સાહની, મીના કુમારી, મનોજ કુમારની મુખ્ય ભૂમિકા ધરાવતા ‘ચાંદ’ ચિત્રપટમાં ‘કભી આજ કભી કલ’ બંને ગાયિકાએ સાથે ગાયેલું એકમાત્ર ગીત છે. જોકે સુચિત્રા સેન, ધર્મેન્દ્ર અને અશોક કુમારની ‘મમતા’ (1966) ફિલ્મમાં મજરૂહ સુલતાનપુરીના અવિસ્મરણીય ગીત ‘રહેં ના રહેં હમ, મેહકા કરેંગે’ સોલો સૉન્ગ લતા મંગેશકરના અવાજમાં છે, જ્યારે રફી સાથેના ડ્યુએટમાં સુમન કલ્યાણપુરનો સ્વર છે. !