મેટાની માલિકીનું લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ તેના યુઝર અનુભવને વધુ આકર્ષક અને સરળ બનાવવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ ક્રમમાં વોટ્સએપે સ્ટેટસ અપડેટ્સ માટે એક અત્યંત ઉપયોગી 'સ્ટાર્ડ મ્યુઝિક' ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ નવા અપડેટ હેઠળ યુઝર્સ સ્ટેટસ એડિટ કરતી વખતે મેટાની વિશાળ લાઈબ્રેરીમાંથી પોતાના મનપસંદ ગીતોને 'સ્ટાર' માર્ક કરીને કાયમી સેવ કરી શકશે, જેથી દર વખતે નવું સ્ટેટસ મૂકતી વખતે ગીતો ફરીથી સર્ચ કરવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે.
ડ્યુરેશન પિકર અને વેવફોર્મ સિલેક્ટરથી થશે સરળ કસ્ટમાઇઝેશન:
ગીતનો મનપસંદ હિસ્સો પસંદ કરી શકાશે: નવા અપડેટમાં એક અદ્યતન વેવફોર્મ સિલેક્ટર ઉમેરવામાં આવ્યું છે, જેને આગળ-પાછળ ડ્રેગ કરીને યુઝર્સ ગીતની શ્રેષ્ઠ પંક્તિઓ કે મ્યુઝિક બીટને સ્ટેટસ માટે પસંદ કરી શકશે. આ ટૂલની મદદથી સ્ટેટસમાં મ્યુઝિક ક્લિપ કેટલા સમય સુધી પ્લે કરવી છે તેનું ચોક્કસ ટાઈમિંગ પણ સેટ કરી શકાશે, જેનાથી સ્ટેટસ બનાવવાની પ્રક્રિયા પ્રોફેશનલ અને સરળ બનશે.
મનપસંદ મ્યુઝિક ટ્રેક્સને આ રીતે કરો 'સ્ટાર':
આ નવું ફીચર હાલમાં 'વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોઇડ'ના વર્ઝન 2.26.38.1 અપડેટમાં જોવા મળી રહ્યું છે. જ્યારે પણ યુઝર મ્યુઝિક કેટલોગમાંથી કોઈ ગીત સિલેક્ટ કરશે, ત્યારે સ્ક્રીન પર એક સ્ટાર આઇકન જોવા મળશે. તેના પર ટેપ કરતાં જ તે ટ્રેક 'સ્ટાર્ડ લિસ્ટ'માં એડ થઈ જશે. યુઝર્સ પોતાની પસંદગી મુજબ ગમે તેટલા ગીતો સ્ટાર કરી શકે છે અને ફરીથી ટેપ કરીને કોઈપણ સમયે તેને લિસ્ટમાંથી દૂર એટલે કે અન-સ્ટાર પણ કરી શકે છે.
ક્વિક એક્સેસ માટે નવું 'Starred' ફિલ્ટર:
મ્યુઝિક સિલેક્શન સ્ક્રીન પર પહેલેથી ઉપલબ્ધ 'સજેસ્ટેડ' (Suggested), 'મૂડ' (Mood) અને 'જૉનરા' (Genre) ફિલ્ટર્સની સાથે હવે એક નવું 'Starred' ફિલ્ટર પણ ઉમેરવામાં આવ્યું છે. આ ફિલ્ટર પર ક્લિક કરતાં જ સ્ક્રીન પર માત્ર એ જ ગીતો દેખાશે જે યુઝરે અગાઉ સેવ કરીને રાખ્યા હોય. આનાથી દર વખતે ગીતનું નામ ટાઈપ કરીને શોધવાની જરૂર રહેશે નહીં અને યુઝર્સ મિનિટોમાં સ્ટેટસ શેર કરી શકશે.