બેંગ્લૂરુઃ ભારતના ભૂતપૂર્વ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને બેંગ્લૂરુમાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ના ચીફ તરીકે ઘણા વર્ષથી અખત્યાર સંભાળતા વીવીએસ લક્ષ્મણ (LAXMAN)ને ભારતીય ક્રિકેટમાં વધુ મોટી જવાબદારી સોંપવામાં આવશે એવી સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીસીસીઆઇ અમુક મહત્ત્વના હોદ્દાઓમાં ફેરફાર કરશે એવી શક્યતા વચ્ચે લક્ષ્મણના નામે ચર્ચા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-વિનિંગ 281 રનની ઇનિંગ્સને લીધે લક્ષ્મણનું નામ દેશના બૅટિંગ-લેજન્ડ્સમાં ગણાય છે.
આગરકરની મુદત લંબાવાશે?
એક તરફ સપ્ટેમ્બરમાં ચીફ સિલેક્ટરના સ્થાને અજિત આગરકરની મુદત પૂરી થશે અને ટીમ ઇન્ડિયાના કોચિંગ-સ્ટાફમાં પણ મોટા બદલાવ લાવવામાં આવશે એ જોતાં ક્રિકેટ બોર્ડના કેટલાક સૂત્રોએ એક જાણીતી ભારતીય વેબસાઇટને સંકેત આપ્યો છે કે વીવીએસ લક્ષ્મણને કદાચ બીસીસીઆઇમાં ડિરેકટર ઑફ ક્રિકેટનો દરજ્જો આપવામાં આવશે. એક તરફ એવી પણ ચર્ચા છે કે અજિત આગરકરની મુદત 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવશે.
BCCI
લક્ષ્મણના કોચિંગમાં 3-0થી જીત
લક્ષ્મણ સીઓઇનો ચીફ હોવાની સાથે ભારતની મુખ્ય ક્રિકેટ ટીમ સાથે હેડ-કોચ તરીકે પણ કામ કરી ચૂક્યો છે. તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં લક્ષ્મણ જ ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ હતો અને ભારતે એ સિરીઝ 3-0થી જીતી લીધી હતી. આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની સંઘર્ષપૂર્ણ (અને નિરાશાજનક) ટૂર પછી ગંભીરને આરામ આપવામાં આવ્યો હતો. ગંભીરના કોચિંગમાં એકંદરે ભારતીયોનો પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યો છે.
ડિરેકટર ઑફ ક્રિકેટના હોદ્દા વિશે જાણીએ...
બીસીસીઆઇ આ હોદ્દા પરની વ્યક્તિને કઈ જવાબદારી સોંપશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ ભારતમાં ક્રિકેટને લગતા જે પણ કામકાજ હશે એમાં લક્ષ્મણ કેન્દ્રસ્થાને રહેશે. તેણે સિનિયર ક્રિકેટ ટીમ, કોચિંગ-સ્ટાફ, સિલેક્ટરો, સીઓઇ તેમ જ ભારતીય ખેલાડીઓને લગતી વિવિધ બાબતો વચ્ચે સંકલનની ભૂમિકા ભજવવાની રહેશે. આ નિયુક્તિ સાથે ક્રિકેટની નવી ટૅલન્ટ શોધવી, ખેલાડીઓના વિકાસ વિશે નિર્ણયો લેવા તેમ જ મોટા નિર્ણયો લેવા એ તમામ બાબતો સંકળાયેલી રહેશે. હાલમાં લક્ષ્મણ બેંગ્લૂરુની સીઓઇમાં આમાંનું મોટા ભાગનું કામ સંભાળી જ રહ્યો છે. 2024માં ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ રાહુલ દ્રવિડે કોચિંગની જવાબદારી છોડી ત્યારે લક્ષ્મણે સીઓઇમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે બે વર્ષમાં ભારતીય ક્રિકેટના વિકાસ કાર્યમાં લક્ષ્મણની મહત્ત્વની ભૂમિકા રહી છે.