એક બિહારી સબ સે ભારી એ કહેવત તો આપણે ઘણી વખત સાંભળી હશે, પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોએ સાબિત કરી દીધું છે કે બિહારના બાળકો પણ આ બાબતમાં પાછળ નથી! ઈન્ટરનેટ પર હાલ એક નાનકડા બાળકનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં શિક્ષકની નારાજગી પર બાળકનો સ્વેગ અને ગુસ્સો જોઈને તમે પણ પોતાનું હસવું રોકી નહીં શકો. આ વીડિયોમાં ગુસ્સે ભરાયેલો ટેણિયો આખી સ્કુલ તોડી નાખવાની ધમકી આપે છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ...
વાઈરલ થઈ રહેલો આ વીડિયો કોઈ સરકારી શાળામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ધોરણમાં ભણતા આ માસૂમ બાળકને શિક્ષકે ભણવામાં ધ્યાન ન આપવા બદલ સહેજ ધમકાવ્યો હતો. સામાન્ય રીતે શિક્ષક ખીજવાય ત્યારે બાળકો ડરી જાય અથવા રડવા લાગે છે, પરંતુ આ 'બિહારી બાબુ'એ તો અલગ જ તેવર દેખાડ્યા. તેણે ગુસ્સામાં લાલચોળ થઈને શિક્ષકની સામે જોયું અને સીધી ધમકી આપી દીધી કે, હું આખી સ્કૂલ તોડી નાખીશ!
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં બાળકના માસૂમ અને ક્યુટ ચહેરા પર આવો ભારે ગુસ્સો જોઈને આખા ક્લાસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. શિક્ષક પોતે પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આના પર ગુસ્સો કરવો, હેરાન થવું કે હસવું! જ્યારે શિક્ષકે તેને પ્રેમથી પોતાની પાસે બોલાવ્યો, ત્યારે આ 'ટપોરી બોય'નો બધો ગુસ્સો એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો અને તે રડવા લાગ્યો. પણ મજાની વાત એ છે કે, જેવો તે શિક્ષકથી થોડો દૂર ગયો, તેનો એ જ જૂનો અંદાજ પાછો આવી ગયો અને તે ફરીથી જોરજોરથી બોલવા લાગ્યો, "હું સ્કૂલ તોડી નાખીશ."
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક્સનું ઘોડાપૂર આવી ગયું છે. આ વીડિયો વાઈરલ થતાં જ લોકો કમેન્ટ સેક્શનમાં જોરદાર મજા લઈ રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ, ગુસ્સા પર થોડો કાબૂ રાખ, નહીંતર તારા આ ડરથી સાહેબ પોતે સ્કૂલ છોડીને ભાગી જશે. બીજા એક યુઝરે તો તેને બિહારનો આગામી સીએમ કહી દીધો હતો. ત્રીજા એક યુઝરે તેને 'ચિલ્લર પાર્ટીનો ટપોરી બોય' કહ્યો હતો.
એક કોલેજના વિદ્યાર્થીએ લખ્યું હતું કે આવો ક્રેઝી છોકરો તો અમારી કોલેજમાં પણ હોવો જોઈએ. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તે ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...