Thu Apr 23 2026

Logo

ભગવાન પાસે આઈડેન્ટિટી-કાર્ડ મગાય?

2026-03-29 11:28:00
Author: Vinod Bhatt
Article Image

 

હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ

આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ગયા છીએ ને અહીં બેઠા દૂરના સ્થળે છુપાયેલ શત્રુ પર શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર કરી શકીએ છીએ તેવી પરિસ્થિતિમાં કલકી નામનો એક અભણજન આપણને એવું કહી રહ્યો છે કે આપણા વિશાળ તેમજ અખંડ એવા બ્રહ્માંડને અને તેમાં વસતા તમામ માનવ જીવોને એકલા હાથે સંભાળી રહ્યો છે. આખું વિશ્વ તેની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. વિશ્વમાં ચાલતા આતંકવાદ, ભ્રષ્ટાચાર, દાણચોરી, મોંઘવારી, ભૂખમરો અને બેકારી પણ તેની ઈચ્છા મુજબ જ ચાલે છે? એવું પૂછવાનું કોઈને મન થાય ખરું, પણ આવા નિરર્થક સવાલો પૂછનાર પાપ લાગવાના ભયથી પૂછવાનું માંડી વાળી કલકી કહે એટલું જ સાંભળવાનું પસંદ કરશે.

તે જણાવે છે કે પાંચ હજાર વર્ષ પૂર્વે, અર્થાત્‌‍ તેણે જન્મ ધારણ કર્યો ત્યાર પહેલાં પૃથ્વી પર પરમ શાંતિ હતી, પણ અસુરોના તાંડવ બાદ બધું વેરવિખેર થઈ ગયું એટલે આ અનિષ્ટ તત્ત્વોને વશમાં રાખવા માટે તેને ચોપ્પન વખત આ પૃથ્વી પર જન્મ લેવાની ફરજ પડી છે. તેનો ચોપ્પનમો - છેલ્લો જન્મ તારીખ બીજી માર્ચ, 1942ના રોજ, આઝાદી પહેલાં, તામિલનાડુ તીરુનેવેલી ખાતે થયો છે. ભારતને આઝાદી મળી એ માટે 
ગાંધીજી, વલ્લભભાઈ કે સુભાષબાબુને યશ આપવાની જરૂર નથી, કલકીના જન્મને પ્રતાપે જ ભારતને આઝાદી જ નહીં, બબ્બે સમર્થ(!) વડા પ્રધાનો આ વિસ્તારમાંથી મળ્યા છે.

અંગત રીતે અમને તો એ ભૂમિ ખૂબ જ ફળદ્રુપ લાગી છે, જેમાંથી શંકર અને આર. કે. લક્ષ્મણ જેવા જિનિયસ કક્ષાના કાર્ટૂનિસ્ટો અને સાંઈબાબા તેમ જ કલકી જેવા ભગવાનો સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે. એમાંય કલકી તો દેખાવમાં સાવ માણસ જેવા જ દેખાય છે, તે સાડા પાંચ ફૂટ ઊંચા છે. પૃથ્વી પરનું અનાજ ઘટી ન જાય એ માટે તે અનાજનો દાણોય મોંમાં નાખતા નથી, કૉફી અને પાણી પર રહે છે અને ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તેની ખાતરી કરવા અટક્યા વગર સતત ધૂમ્રપાન કરે છે.

આ કલકીનું જન્મદાખલાનું નામ માધવ મુનિવર છે અને પ્રજા તેમની ભાષા સમજી શકે એ વાસ્તે તે તમિલ તેમજ હિન્દી ભાષા કડકડાટ બોલે છે. પણ અંગ્રેજી એ યવનોની ભાષા હોવાને કારણે જ અંગ્રેજી બોલવાનું તેમણે ટાળ્યું હશે! અગાઉના સમયમાં શ્રમવિભાજનની ભાવનાથી બ્રહ્માએ સર્જનની, વિષ્ણુએ પાલનની અને શિવે સંહારની જવાબદારી પોતાના માથે લીધી હતી, પણ આ કલકીનો તો એવો દાવો છે કે તેમણે સર્જન, પાલન અને વિનાશ એમ ત્રણેયની જવાબદારી સ્વીકારીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - ત્રણેય દેવતાઓને કામ વગરના નવરા  કરી દીધા છે, આ કામ તે કોઈની પણ મદદ વગર એકલા કરે છે. તે પોતે જ થ્રી-ઈન-વન છે.

તેમનામાં કેટલીક ગૂઢ અને રહસ્યમય શક્તિઓ છે, જેને આધારે પૃથ્વી પણ થનારી હોનારતોની તેમને આગોતરી ખબર પડી જાય છે. આવું કશું થવાનું હોય તેના કેટલાક સમય પહેલાં કલકીની હથેળી એકદમ કાળી પડી જાય છે. તામિલનાડુમાં પ્રચંડ પૂર આવશે અને તે પૂરને ધ્યાનથી તેમજ રસપૂર્વક જોવા માટે પ્રધાનોએ હેલિકોપ્ટર્સ દ્વારા આકાશમાં ઊંચે ઊડવું પડશે એવી આગાહી તેમણે કરી હતી જેને સાચી પડ્યા વગર કોઈ વિકલ્પ નહોતો. એ જ રીતે તેમની હથેળીનો રંગ બદલાતો જોઈને તેમણે જાહેર કરી દીધું કે દેશમાં ભયંકર ભૂંકપ થશે. થયો. ભૂસ્તર ખાતાની સહાય વગર તેમણે કરેલ ભવિષ્યકથન પ્રમાણે થોડાક જ દિવસોમાં લાતુરમાં ભયાનક ધરતીકંપ થયો, જેમાં હજારો માણસો ગુજરી ગયા ને એથીય મોટી સંખ્યામાં મકાનો જમીનદોસ્ત થઈ ગયાં.

જોકે વિસર્જન શબ્દમાંય સર્જન હોય છે એ ન્યાયે આ તૂટેલાં મકાનોના કાટમાળમાંથી કેટલાક શાણા ને કુનેહબાજ લોકો પોતાના ભવ્ય બંગલા બનાવી શક્યા હતા, અલબત્ત, કલ્કીએ સર્જનવિસર્જનવાળી આગાહી નહોતી કરી પણ જીવો જીવસ્ય જીવનમ્‌‍ એ તો પૃથ્વી પરનું સનાતન સત્ય છે.

કલ્કીના પડોશીઓ કહે છે કે તે પક્ષીઓ સાથે વાત કરી શકે છે. પણ તમિળ કે હિન્દી ભાષા નહીં જાણવા છતાં આ પંખીઓ કલ્કી સાથે કેવી રીતે વાતચીત કરી શકતાં હશે એનું ઘણાંને આશ્ચર્ય છે... 

આર.ટી.ઓ.માં સ્કૂટરનું રજિસ્ટે્રશન આપણા નામનું હોય તો પણ સ્કૂટર આપમેળે ચાલીને આપણી પાસે નથી આવતું, આપણે જ તેની પાસે જવું પડે છે, જ્યારે આ ભગવાન કલ્કી સદ્ભાગી છે. તેમનું એક કામ પ્રજાનું જતન કરવાનું હોવાથી ભગવાન વિષ્ણુની માલિકીનું ગણાતું વાહન ગરુડ ખાસ વર્ધી માટે તેમની પાસે સવારના પહોરમાં પહોંચી જાય છે ને તેમની આસપાસ ફર્યા કરે છે. `આજે મારે ક્યાંય બહાર ફરવા નથી જવાનું, તું છુટ્ટો' એવો આદેશ તે ગરુડને ન આપે ત્યાં સુધી ગરુડ કલ્કી પાસે રોકાઈ જાય છે.

તેમની પ્રેરણાથી ત્યાંની પ્રજામાં એવી એક વાત ચાલે છે કે રાત્રે તે સૂઈ જાય છે ત્યારે પોતાના ઓરડામાં, શરીરરૂપી ઓરડો ત્યજીને તે અન્ય વિશ્વમાં ચાલ્યા જાય છે, ક્યા વિશ્વમાં જાય છે એ વાત અંગત હોઈ કોઈને તે કહેતા નથી, પણ તે પાછા ફરે ત્યાં સુધી દેવદૂતો તેમના શરીરની રક્ષા કરે છે. `ઝેડ' કેટેગરી કરતાંય ઊંચા દરજ્જાના કમાન્ડો તેમના આત્મા વગરના શરીરની સુરક્ષા કરવાની માનદ્ સેવાઓ સ્વેચ્છાએ 
આપે છે.

અગાઉના ત્રેપન અવતારમાં તેમણે લગ્ન કર્યાં હતાં કે નહીં એ અંગેની માહિતી તેમની કે અન્ય કોઈની પાસે નથી. પણ આ જન્મમાં તેમણે લગ્ન કર્યાં છે ને તેમને ત્યાં બે સંતાનો છે... 

વર્ષો પૂર્વે તે બ્લૅક મેજિક એટલે કે કાળા જાદુના પ્રયોગો કરતા હતા. પછી કોઈ દેવદૂતે કદાચ તેમને કહ્યું હશે કે તમે તો ઈશ્વરના અવતાર કહેવાઓ, તમારાથી કાળા જાદુમાં ન પડાય, કરવાં હોય તોય તમે સફેદ જાદુ કરી શકો - એટલે પછી તેમણે કાળા જાદુ તેમ જ મંત્ર-તંત્ર વગેરે કરવાનું છોડી દીધું.

ભગવાનને આમ તો ગ્રેટ એસ્ટ્રોલોજર એટલે કે મહાન ભવિષ્યવેત્તા કહેવામાં આવ્યો છે એ કારણે ભગવાને ખુદે કોઈ આગાહી કરવાની હોતી નથી. તેમ છતાં ભગવાન કલકીએ ભૂતકાળમાં કેટલીક સચોટ આગાહીઓ કરી હતી. ઉદાહરણ તરીકે: `ભારતીય જનતા પક્ષ - ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા પર ક્યારેય નહીં આવે.' જોકે અટલજી કાગળ પર ભલે સત્તાધીશ બન્યા, વડા પ્રધાન થયા, પણ તે પોતાનું ધાર્યું સ્હેજ પણ કરી શકયા? - તેમનું કશું ચાલ્યું?