Fri Oct 02 2026

Logo

જાણો તમન્ના ભાટિયા બાદ આખરે વિજય વર્માની લાઈફમાં થઈ લેડી લવની એન્ટ્રી?

2026-09-17 21:11:37
Author: Darshana Visaria
જાણો તમન્ના ભાટિયા બાદ આખરે વિજય વર્માની લાઈફમાં થઈ લેડી લવની એન્ટ્રી?

બોલીવૂડ એક્ટર વિજય વર્મા પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રસ તમન્ના ભાટિયા સાથે સંબંધોનો અંત આવ્યા બાદ હવે વિજય વર્માનું નામ એક નવી એક્ટ્રેસ અને સિંગર સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી ‘લસ્ટ સ્ટોરીઝ 3’ની સ્ક્રીનિંગ દરમિયાન વિજય વર્મા એક્ટ્રેસ આલિયા કુરેશી સાથે જોવા મળ્યો હતો. બંનેને એક જ ઈવેન્ટમાં સાથે જોયા બાદ સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. જોકે, આ સંબંધને લઈને વિજય કે આલિયા બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

લસ્ટ સ્ટોરીઝ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન વિજય વર્મા અને આલિયા કુરેશીની એકસાથે એન્ટ્રીએ પેપરાઝી અને ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ અગાઉ પણ મુંબઈમાં બંનેને કેટલીક જગ્યાએ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.

સતત સાથે જોવા મળતા વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ નેટીઝન્સમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે આલિયા કુરેશી કોણ છે અને વિજય સાથે તેનું શું કનેક્શન છે. વાત કરીએ કોણ છે આલિયા કુરેશી એની તો આલિયા કુરેશી મનોરંજન જગતમાં પોતાના ટેલેન્ટથી ઓળખ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર તે ‘ઝલ્લી’ના નામથી પણ જાણીતી છે. તે એક સિંગર, ગીતકાર અને અભિનેત્રી છે.

આલિયાએ એટલીના દિગ્દર્શનમાં બનેલી શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મમાં તેણે આઝાદની ગર્લ ગેંગની સભ્ય 'જાનવી'ની ભૂમિકા ભજવી હતી. આ સિવાય આલિયા ‘બંદિશ બેન્ડિટ્સ’ની બીજી સીઝનમાં 'અનન્યા' તરીકે તેમજ ખુશી કપૂર અને ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘નાદાનિયાં’માં 'સાહિરા'ના પાત્રમાં જોવા મળી ચૂકી છે.

અહીંયા તમારી જાણકારી માટે કે એક જૂના ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું હતું કે 'જવાન'ના સેટ પર શાહરૂખ સાથે મોનિટર પાસે બેસીને જીવન અને એક્ટિંગ પર વાતો કરવી તેના માટે યાદગાર પળો હતી. તેણે એટલીની બર્થડે પાર્ટીમાં શાહરૂખ સાથે પૂલ ગેમ રમી હતી અને ‘છૈયાં છૈયાં’ ગીત પર ડાન્સ પણ કર્યો હતો.

વિજય વર્મા આ અગાઉ અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર બંને નજીક આવ્યા હતા અને આ સંબંધ લગભગ બે વર્ષ સુધી ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2025માં બંનેના અલગ થવાના અહેવાલો સામે આવ્યા હતા. બ્રેકઅપ બાદ વિજયે અંગત જીવન પર વધુ વાત કરી નહોતી, જોકે એક ઈન્ટરવ્યુમાં તેણે સંબંધોની સરખામણી આઈસ્ક્રીમ સાથે કરી હતી જે ખૂબ વાઈરલ થઈ હતી. હવે આલિયા કુરેશી સાથેની નિકટતાથી તેમના ડેટિંગની ચર્ચાઓએ ફરી વેગ પકડ્યો છે.