Sat Sep 05 2026

Logo

વિયેતનામનું વિંગગ્રુપ મહારાષ્ટ્રમાં 8.5 અબજ ડોલરનું રોકાણ કરશે: 24,700 નોકરીની તકો ઊભી થશે

2026-04-09 16:11:22
Author: Mumbai Samachar Team
વિયેતનામનું વિંગગ્રુપ મહારાષ્ટ્રમાં 8.5 અબજ ડોલરનું રોકાણ કરશે: 24,700 નોકરીની તકો ઊભી થશે

મુંબઈઃ વિયેતનામ સ્થિત વિંગગ્રુપે આગામી બે વર્ષમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ, સામાજિક અને જાહેર માળખાગત સુવિધાઓ, પ્રવાસન અને મનોરંજન સહિતના પ્રોજેક્ટ્સમાં 8.5 અબજ ડોલરનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાનની હાજરીમાં વિંગગ્રુપ, રાજ્ય ઉદ્યોગ વિભાગ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફડણવીસે જણાવ્યું હતું કે આ રોકાણ રાજ્યમાં ઝડપી વિકાસ, આધુનિક માળખાગત સુવિધાઓ અને પરિવહન વ્યવસ્થાને ટેકો આપશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ એક મજબૂત અને ગતિશીલ શહેરી ઇકોસિસ્ટમ બનાવશે.

મુખ્ય પ્રધાને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી અને કંપનીને કોઈપણ સમસ્યાના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓનો સીધો સંપર્ક કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ છે.

આ એમઓયુ હેઠળ, વિંગગ્રુપે આગામી બે વર્ષમાં લગભગ 5,000 એકર જમીનમાં પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે લગભગ 8.5 અબજ ડોલરનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી અંદાજે 24,700 સીધી નોકરીઓનું સર્જન થશે, એમ રિલીઝમાં જણાવાયું છે.