Tue Oct 06 2026

Logo

સિગારેટ, ઘાયલ ચહેરો અને ગુસ્સાભરી આંખો..આલિયા બાદ વિક્કી કૌશલનો ફર્સ્ટ લૂક રિવીલ

2026-09-26 17:42:51
Author: Mumbai Samachar Team
સિગારેટ, ઘાયલ ચહેરો અને ગુસ્સાભરી આંખો..આલિયા બાદ વિક્કી કૌશલનો ફર્સ્ટ લૂક રિવીલ

મુંબઈઃ ફિલ્મ 'લવ એન્ડ વૉર' માંથી પહેલા રણબીર કપૂર પછી આલિયા ભટ્ટ અને હવે વિક્કી કૌશલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મ 21 મી જાન્યુઆરી 2027ના દિવસે રિલીઝ થવાની છે. મેકર્સ દ્વારા એક પછી એક એમ ત્રણેય લીડ સ્ટારના લૂક રિલીઝ કરી દેવામાં આવ્યા છે. હવે ફેન્સ આ ફિલ્મના ટિઝરની રાહ જોઈ રહ્યા છે. વિન્ટેજ સ્ટાઈલમાં વિક્કી કૌશલનો ફર્સ્ટ લૂક રિવીલ કરાયો છે. આ પોસ્ટરમાં વિક્કી વિન્ટેજ હેરકટ તથા મૂછ સાથે જોવા મળ્યો છે. એક લાઈટરની મદદથી તે સિગારેટ પી રહ્યો છે. આ પોસ્ટરમાં એક્ટરનો જખ્મી ચહેરો, હાથમાં સિગારેટ અને આંખમાં એક અલગ પ્રકારનો ગુસ્સો જોઈ શકાય છે. વિક્કીનો અલગ અંદાજ ફેન્સને પસંદ પડી રહ્યો છે. 

નજરેં મિલેંગી, લેકિંગ હટેગી નહીં!

આ પોસ્ટર શૅર કરતા વિક્કીએ કેપ્શનમાં લખ્યું હતું કે, નજરેં મિલેંગી, લેકિંગ હટેગી નહીં! આ પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. 'લવ એન્ડ વૉર' 21 જાન્યુઆરી 2027ના રોજ રિલીઝ થઈ રહી છે. આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. એ પછી આલિયા ભટ્ટ પણ કોમેન્ટ બોક્સમાં ફાયર ઈમોજી પોસ્ટ કર્યું હતું. એક્ટ્રેસ સોનમ કપૂરે પણ તાલી વગાડતું ઈમોજી પોસ્ટ કર્યું હતું.

ગુરૂવારે મેકર્સે રણબીર કપૂરનો લૂક રિવીલ કર્યો હતો. જેમાં તે એક વિન્ટેજ સ્પોર્ટ્સ કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો છે અને હાથમાં ઈજા પહોંચી છે. શુક્રવારે મેકર્સે આલિયા ભટ્ટનો કેબ્રે લૂક રિવીલ કર્યો હતો. હવે વિક્કી કૌશલનો લૂક સામે આવ્યો છે. ત્રણેયનું પાત્ર શું છે અને તે કઈ વાર્તા સાથે ક્નેક્ટ છે એ હજુ સુધી સામે આવ્યું નથી. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ રહી છે. આલિયા અને રણબીરની 'બ્રહ્માસ્ત્ર' પછી આ બીજી ફિલ્મ છે જેમાં તેઓ સ્ક્રિનશૅર કરી રહ્યા છે. વિક્કી કૌશલ, રણબીર અને આલિયા એમ ત્રણેય કલાકાર પહેલીવાર સંજયલીલા ભણસાલી સાથે કામ કરી રહ્યા છે. 

બેક ટુ બેક ફિલ્મ રિલીઝ થશે

આ પહેલા આલિયા ભટ્ટની ફિલ્મ 'આલ્ફા' આવી હતી, જે ખરાબ રીતે બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હતી. આ પછી હવે આ ફિલ્મથી એની પાસે એક મોટો ચાન્સ છે. જ્યારે વિક્કીએ એક લાંબા સમયના બ્રેક બાદ ફિલ્મોમાં કામ શરૂ કર્યું છે.

જ્યારે રણબીરે 'રામાયણ' ફિલ્મનું કામ ખતમ કર્યા બાદ આ ફિલ્મ હાથમાં લીધી હોવાનું માનવામાં આવી છે. 'રામાયણ' ફિલ્મ દિવાળીના સમયગાળામાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ પણ બે ભાગમાં બનાવવામાં આવી છે. બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થવાનો છે. એ પહેલા સંજયલીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.