ભારતીય સંસ્કૃતિમાં રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવમાં આવે છે. આપણે ત્યાં કહેવાય છે કે જેવું અન્ન તેવું મન. રસોઈ બનાવવાની રીત અને તેની સાથે જોડાયેલી આપણી નાની-નાની આદતો ઘરની આર્થિક સ્થિતિ અને શાંતિ પર સીધી અસર કરે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, રસોડામાં કરવામાં આવતી કેટલીક અજાણતાની ભૂલો માતા અન્નપૂર્ણાને નારાજ કરી શકે છે, જેનાથી ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થાય છે. ચાલો જાણીએ રોટલી બનાવવા અને રસોડાની ગોઠવણ સાથે જોડાયેલા એવા નિયમો જે તમારા ઘરને ખુશહાલીથી ભરી શકે છે.
રોટલી ગણીને બનાવવી કેમ અશુભ મનાય છે?
મોટાભાગના ઘરોમાં રોટલીઓ ગણીને બનાવવાનો રિવાજ હોય છે જેથી અન્નનો બગાડ ન થાય, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ પદ્ધતિ અયોગ્ય છે. માન્યતા છે કે અન્નને ગણીને બનાવવું એ માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા પ્રત્યે અનાદર દર્શાવે છે. આવું કરવાથી ઘરમાં 'અભાવ'ની ભાવના જન્મે છે, જેના કારણે કમાણી હોવા છતાં આર્થિક તંગી વર્તાય છે અને બચત ટકતી નથી. હંમેશા પરિવારના સભ્યોની જરૂરિયાત કરતા બે રોટલી વધુ બનાવવી જોઈએ, જેમાંથી પહેલી રોટલી ગાય માટે કાઢવી અત્યંત શુભ માનવામાં આવે છે.
ગૂંથેલો લોટ અને આડણી-વેલણનો અવાજ લાવે છે મુશ્કેલી
ઘણી ગૃહિણીઓ સમય બચાવવા વધારાનો લોટ ગૂંથીને ફ્રીજમાં રાખી દે છે, જે વાસ્તુની દ્રષ્ટિએ 'પિતૃ દોષ'નું કારણ બની શકે છે. તાજો લોટ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે, જ્યારે વાસી લોટ આળસ અને બીમારીઓને આમંત્રણ આપે છે. તેવી જ રીતે, રોટલી વણતી વખતે આડણી (ચકલા) માંથી આવતો 'ખટ-ખટ' અવાજ પણ અશુભ સંકેત છે. આ અવાજ ઘરમાં કંકાસ અને ધનહાનિ કરાવી શકે છે. આ સમસ્યાથી બચવા માટે આડણી નીચે હંમેશા એક નાનું કપડું રાખવું જોઈએ જેથી અવાજ ન થાય.
તવો અને ચૂલાની દિશાનું ધ્યાન રાખવું જરૂરી
રસોડામાં તવો એ રાહુનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ. ગરમ તવા પર ક્યારેય સીધું પાણી ન છાંટવું, કારણ કે તેમાંથી આવતો અવાજ ઘરમાં સંકટ લાવી શકે છે. તવાને હંમેશા સાફ કરીને છુપાવીને રાખવો જોઈએ. આ ઉપરાંત, રસોઈ બનાવતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાય છે. ખાસ ધ્યાન રાખવું કે ચૂલો અને પાણીનો સિંક એક સીધમાં ન હોવા જોઈએ, કારણ કે અગ્નિ અને પાણીનું વિરોધાભાસી જોડાણ પરિવારમાં મતભેદ પેદા કરી શકે છે.
બચેલી રોટલીનું શું કરવું?
જો રસોઈ બનાવ્યા પછી રોટલીઓ બચી જાય, તો તેને ફેંકી દેવાને બદલે પશુ કે પક્ષીઓને ખવડાવવી જોઈએ. રસોઈ કરતી વખતે મન શાંત અને પ્રફુલ્લિત રાખવું જોઈએ, કારણ કે રસોડાની ઊર્જા ભોજન દ્વારા આખા પરિવારના શરીરમાં પ્રવેશ કરે છે. જે ઘરમાં અન્નનું સન્માન થાય છે અને વાસ્તુના આ નિયમોનું પાલન થાય છે, ત્યાં હંમેશા સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે છે.