Mon Aug 24 2026

Logo

ભણેલાં-ગણેલાં 'અભણ' લોકોની વાઈરલ કરતૂત, વંદે ભારત ટ્રેનમાં કરી એવી હરકત કે...

2026-03-18 18:00:22
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈન્ડિયન રેલવેની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલાં એક પ્રવાસીએ ફૂડ ટેબલ પર પગ મૂકતાં નેટિઝન્સ રોષે ભરાયા છે. ભારતીય રેલવેની આધુનિક ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે જ્યારે આવા ફોટો સામે આવે, ત્યારે ખરેખર પ્રશ્ન એ થાય છે કે શું આપણે સુવિધાઓ માટે તૈયાર છીએ? આ ઘટનાએ સોશિયલ મીડિયા પર સિવિક સેન્સ બાબતે ગંભીર ચર્ચા છેડી દીધી છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ. 

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં સિકંદરાબાદથી તિરુપતિ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20701-20702)માં એક મુસાફરની હરકતે નેટીઝન્સનો પિત્તો હલાવી દીધો છે. જે ટ્રે પર રેલ્વે સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે, તે ટ્રે પર પ્રવાસી પગ રાખીને આરામથી મેગેઝિન વાંચતો જોવા મળ્યો હતો.

વાઈરલ થઈ રહેલાં ફોટામાં જોવા મળે છે કે જે ટ્રેબલ પર ખાવાની વસ્તુઓ અને પાણીની બોટલ રાખવામાં આવે છે, ત્યાં જ મુસાફરે પોતાના પગ લંબાવ્યા છે. આ ટેબલ મુસાફરોના આરામ માટે નહીં પણ જમવા માટે બનાવવામાં આવ્યું છે. રેડિટ યુઝર્સ આ ફોટો પર પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે સૌથી દુઃખદ બાબત એ છે કે આ મુસાફર સાથે તેનું નાનું સંતાન પણ મુસાફરી કરી રહ્યું છે. જો વડીલો જ જાહેર સ્થળોએ આવું અસભ્ય વર્તન કરશે, તો નવી પેઢી શું શીખશે?

સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને 'દેહાતી હરકત' કહી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે નિર્દોષ ગ્રામીણ લોકો જાહેર સ્થળોએ વધુ સભ્ય રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. આ તો ભણેલા-ગણેલા લોકોની માનસિકતાનો પ્રશ્ન છે. 

વાત કરીએ પબ્લિક પ્લેસ પર સિવિક સેન્સ કેમ જરૂરી છે? એની તો ટ્રેન કે બસ એ કોઈની પ્રાઈવેટ પ્રોપર્ટી નથી, તે ટેક્સના પૈસાથી બનેલી જાહેર સુવિધા છે. ત્યાં ગંદકી કરવી એ પોતાની જ મિલકતને નુકસાન કરવા સમાન છે. આ સિવાય ફૂડ ટ્રે પર પગ રાખવાથી ત્યાં બેક્ટેરિયા ફેલાય છે, જે પછીથી ત્યાં જમતા અન્ય મુસાફરો માટે સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરી શકે છે. પબ્લિક પ્લેસ પર તમારી ઉઠવા-બેસવાની રીત તમારી પરવરિશ અને શિક્ષણના પ્રતિબિંબ સમાન છે.