વીણા ગૌતમ
આપણો દેશ એટલે ભક્તિ અને ધર્મમાં અસીમ આસ્થા ધરાવતો દેશ છે. આપણાં દેશમાં 51 શક્તિપીઠ છે. દરેક શક્તિપીઠ નવરાત્રી દરમિયાન આસ્થા અને આધ્યાત્મથી ઝગમગી ઊઠે છે. વાત જ્યારે વૈષ્ણોદેવી મંદિરની આવે છે તો નવરાત્રીમાં આ મંદિરની આભા કંઈક અનોખી અને આકર્ષિત હોય છે.
જમ્મુ-કાશ્મીરથી 12-13 કિલોમીટરની ઉપરની તરફ ત્રિકુટ પર્વત પર લગભગ 5200 ફિટની ઊંચાઈએ આ વૈષ્ણોદેવી મંદિર આવેલું છે. એમાં ત્રણ પિંડી (મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી) વિરાજમાન છે. આ મંદિરે પહોંચવા માટે પગપાળા, ઘોડા પર કે પછી પાલખીમાં જઈ શકાય છે. હવે તો અત્યાધુનિક સુવિધા મળતાં હેલિકૉપ્ટર અને રોપ-વેથી પણ જવાય છે.
એક અંદાજ પ્રમાણે દર વર્ષે આ મંદિરમાં 80 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવા જાય છે. એમાંથી 30થી 40 ટકા ભક્તો માત્ર નવરાત્રી દરમિયાન જ આવે છે. આ મંદિર પ્રત્યે લોકોમાં અસીમ શ્રદ્ધા છે. આ મંદિરની પાછળ પૌરાણિક અને આધ્યાત્મિક કથા પણ છે. એવું કહેવામાં આવે છે કે વૈષ્ણોદેવી મંદિર જે ત્રિકુટ પર્વત પર સ્થિત છે, એની ગુફામાં દેવીએ તપસ્યા કરી હતી. સાથે જ ભૈરવનાથનો વધ પણ કથા સાથે જોડાયેલો છે.
ચૈત્ર નવરાત્રી દેવી શક્તિના જાગરણનો સમય ગણવામાં આવે છે. એથી આ મંદિર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બની જાય છે. અહીં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. માતાના જયકારાથી આખો પર્વત ગુંજી ઊઠે છે. દેવી ઉપાસના માટે આ નવરાત્રીનું મહત્ત્વ વધી જાય છે. ચૈત્ર નવરાત્રીથી હિન્દુઓનું નવવર્ષ પણ શરૂ થાય છે. લોકો ઘરે ઘટસ્થાપના કરે છે.
આજે ડિજિટલ મીડિયાના યુગમાં એનું આકર્ષણ અને ઝગમગાટ દેશના ખૂણેખૂણે પહોંચી જાય છે. મંદિરમાંથી લાઈવ દર્શન, સોશ્યલ મીડિયા ટ્રેન્ડ આ બધું જોઈ શકાય છે. ચૈત્ર નવરાત્રીમાં આ મંદિર રાષ્ટ્રીય ઉત્સવ સમાન દેખાય છે. રાષ્ટ્રીય ચેતના બનીને આ ઉત્સવ ઊભરી આવે છે. દેશની આર્થિક-સામાજિક સ્થિતિને પણ એ સારી રીતે પ્રભાવિત કરે છે. કટરા અને એની આસપાસના ક્ષેત્ર હંમેશાં પ્રવાસીઓથી ધમધમે છે, એથી આ ક્ષેત્રની આર્થિક સ્થિતિ પણ સંપન્ન છે. નવરાત્રી અને અન્ય દિવસોમાં હોટલ, ટ્રાન્સપોર્ટ, સ્થાનિય વેપાર ઉચ્ચસ્તર પર પહોંચી જાય છે. એનાથી સ્થાનિક લોકોને પણ રોજગાર મળી રહે છે.
આખા વર્ષભર શરૂ રહેનાર વૈષ્ણો દેવી મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આહ્લાદક વાતાવરણથી છવાયેલું રહે છે. અહીંની યાત્રામાં શ્રમ, આસ્થા અને સામૂહિકતા દેખાઈ આવે છે. ચૈત્ર નવરાત્રીમાં અહીં માતાના દર્શન માટે આવતા ભક્તો નવા વર્ષની શુભ શરૂઆત થાય એ મનોકામના સાથે આવે છે. સાથે જ કોઈ ઈચ્છા પૂરી થાય એવી માનતા પણ લે છે. એથી જ આ મંદિરમાં વિશિષ્ટ આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ વહે છે. શ્રદ્ધાળુઓ માટે આ રાષ્ટ્રીય એકતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય છે.