Wed Apr 22 2026

Logo
IPL 2026:

પાડોશી બિહારમાંથી અસંખ્ય લોકો માત્ર વૈભવની બૅટિંગ જોવા લખનઊ આવી તો પહોંચ્યા, પણ...

2026-04-22 20:18:25
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ 15 વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી લોકપ્રિય છે અને તેના રાજ્ય બિહારના ક્રિકેટપ્રેમીઓ તેની બૅટિંગ જોવા પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના લખનઊ ન આવે એવું બને? અહીં બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના આ લાડલા ટીનેજરે ચાહકોને નારાજ નહોતા કર્યા, કારણકે તેણે પહેલા જ બે બૉલમાં ચોગ્ગા ફટકારી દીધા હતા. જોકે તે આઠ રન કરીને આઉટ થઈ ગયો હતો.

વૈભવનો જન્મ 2011ની 27મી માર્ચે બિહાર (Bihar)ના સમસ્તીપુર જિલ્લાના મિથિલા પ્રાન્તમાં તેજપુર ગામમાં થયો હતો. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ-લેજન્ડ બ્રાયન લારાનો ફૅન વૈભવ (Vaibhav) પટનામાં ક્રિકેટની તાલીમ લીધા પછી રાજ્યની ટીમના અને અન્ડર-19 ટીમના સ્તર સુધી પહોંચ્યો હતો. રાજસ્થાન રૉયલ્સ તેને આઇપીએલની એક સીઝન રમવાના 1.10 કરોડ રૂપિયા આપે છે. આગામી હરાજીમાં તેને અનેક ગણા પૈસા મળવાની પાકી સંભાવના છે.

બુધવારે સાંજે રાજસ્થાનને બૅટિંગ મળ્યા બાદ પહેલા સાત બૉલ યશસ્વી જયસ્વાલ રમ્યો હતો, પણ આઠમા બૉલમાં વૈભવને બૅટિંગનો મોકો મળતાં જ તે બોલર પર તૂટી પડ્યો હતો. પેસ બોલર પ્રિન્સ યાદવના બે બૉલમાં વૈભવે ફોર ફટકારી હતી.

જોકે લખનઊના મોહમ્મદ શમીએ પોતાની બીજી ઓવરના છેલ્લા બે બૉલમાં યશસ્વી અને ધ્રુવ જુરેલની વિકેટ લીધી ત્યારે વૈભવ સામા છેડે થોડો ચિંતિત લાગતો હતો, પરંતુ આત્મવિશ્વાસથી તેમ જ સમજદારીથી તેણે પછીની ઓવરનો સામનો કર્યો હતો અને તેના ચાહકોએ તેની આ બૅટિંગને બિરદાવી હતી. જોકે પેસ બોલર મોહસિન ખાને વૈભવને કલાકે 142 કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલમાં વૈભવે ઊંચો શૉટ માર્યો હતો અને દિગ્વેશ રાઠીએ સાથી ફીલ્ડર સાથેની હરીફાઈમાં અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. મોહસિનની એ વિકેટ-મેઇડન ઓવર હતી.