Tue Jul 28 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ મૅન્ચેસ્ટરે ક્રિકેટ જગતને મહારથીઓ આપ્યા છે: આજે વૈભવને ડેબ્યૂનો મોકો મળશે?

2026-07-04 08:51:00
Author: Ajay Motiwala
Article Image

 

અજય મોતીવાલા

ઇંગ્લૅન્ડમાં મૅન્ચેસ્ટર શહેરના જગવિખ્યાત ક્રિકેટ સ્ટેડિયમનું નામ `ઑલ્ડ' છે, પણ આ સ્થળ ઘણા ટૅલન્ટેડ ક્રિકેટરો માટે કાયમ માટે `ન્યૂ' બન્યું, કારણકે છેલ્લાં ઘણા દાયકાઓ દરમ્યાન આ સ્થળેથી અનેક એવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી છે જેમણે આગળ જતાં તેમના દેશનું નામ રોશન કર્યું, પોતાની ટીમ માટે રત્ન બની ગયા અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસી ગયા.

આપણે મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટે્રફર્ડની વાત કરી રહ્યા છીએ. આ એવું સ્થળ છે જેણે ક્રિકેટ જગતને ઘણા `ન્યૂ' ખેલાડીઓ આપ્યા છે જેઓ પહેલી વાર અહીં રમ્યા બાદ શાનદાર કારકિર્દી સાથે નિવૃત્ત થયા હતા. આ મુદ્દા પર ચર્ચા કરવા પાછળનો આશય એ છે કે શનિવાર, ચોથી જુલાઈએ આ ઐતિહાસિક સ્થળે ભારતના 15 વર્ષના ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરવાની તક મળી શકે. 

આઇપીએલ-2026માં દિગ્ગજ બૅટ્સમેનો વચ્ચે સૌથી વધુ 776 રન બનાવનાર અને વિક્રમજનક 72 છગ્ગા ફટકારનાર સિક્સર-સ્પેશિયાલિસ્ટ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવને ઓપનિંગમાં સંજુ સૅમસનને બદલે રમાડવામાં આવશે કે પછી ઇશાન કિશન અથવા બીજા કોઈને બદલે એ નક્કી નથી, પણ જો તેને મોકો મળશે તો મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં રમીને ઇન્ટરનૅશનલ ક્રિકેટના રણમેદાન પર ડેબ્યૂ કરનાર ભારતના અબ્બાસ અલી બેગ, ખરશેદ મેહરહોમજી, ચંદુ સરવટે, કૉટાર રામસ્વામી, બ્રિજેશ પટેલ, મદનલાલ, સુરુ નાયક, અનિલ કુંબલે, અજિંક્ય રહાણે, અંશુલ કમ્બોજ તેમ જ ઇંગ્લૅન્ડના ફ્રેડી ટ્રૂમેન વગેરેનો સમાવેશ છે.

બરાબર એક વર્ષ પહેલાં (જુલાઈ, 2025માં) પચીસ વર્ષીય પેસ બોલર અંશુલ કમ્બોજને ભારત વતી પહેલી વખત રમવાનો અવસર ઑલ્ડ ટ્રેફર્ડમાં જ મળ્યો હતો. ત્યાર બાદ 12 મહિનામાં તેને ફરી ટીમ ઇન્ડિયા વતી રમવાનો મોકો નથી મળ્યો એ વાત અલગ છે, પણ તેનું નામ `મૅન્ચેસ્ટરના મહારથીઓ' સાથે જરૂર જોડાઈ ગયું છે.

મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટે્રફર્ડ ક્રિકેટ સ્ટેડિયમની સ્થાપના 1857માં (169 વર્ષ પૂર્વે) થઈ હતી. લૅન્કેશર કાઉન્ટીની ટીમ આ શહેરની હોમ-ટીમ છે. એમિરેટ્સ ઑલ્ડ ટ્રેફર્ડ તરીકે પણ ઓળખાતા આ સ્ટેડિયમમાં 19,000 પ્રેક્ષક બેસી શકે એટલી સીટ છે. 2011માં અહીં ફ્લડલાઇટ્સ બેસાડવામાં આવી હતી.

સચિન તેન્ડુલકરે 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં રમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી, પણ 1990માં 17 વર્ષની ઉંમરે ક્રિકેટમાં જાણે તેનો નવો જન્મ મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં થયો હતો. આ સ્થળે તેણે ત્યારે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. સચિને ત્યારે ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટના પ્રથમ દાવમાં છઠ્ઠા નંબર પર રમીને 68 રન બનાવ્યા હતા અને પછી બીજા દાવમાં પણ છઠ્ઠા નંબરે રમીને અને 225 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 17 ચોગ્ગાની મદદથી 189 બૉલમાં અણનમ 119 રન બનાવ્યા હતા. તેની એ સદી અને મનોજ પ્રભાકરના અણનમ 68 રનની મદદથી ભારત એ ટેસ્ટ ડ્રૉ કરાવી શક્યું હતું.

સચિન માટે જાણે મૅન્ચેસ્ટરની એ સદી શુકનિયાળ સાબિત થઈ, કારણકે તેની કુલ 51 ટેસ્ટ સદીનો વિશ્વવિક્રમ દાયકાઓથી નથી તૂટ્યો અને બીજા અનેક દાયકાઓ સુધી કદાચ તૂટશે પણ નહીં. એ પહેલાં, 1936માં ભારતીય ક્રિકેટ માટે ઑલ્ડ ટ્રેફર્ડનું મેદાન ઐતિહાસિક બન્યું હતું. ત્યારે ભારતના મહાન ખેલાડી સૈયદ મુશ્તાક અલી વિદેશમાં ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા હતા અને તેમણે એ સિદ્ધિ મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં જ મેળવી હતી. બીજી ઇનિંગ્સમાં તેમણે બનાવેલા 112 રનની મદદથી ભારત ત્યારે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ડ્રૉમાં લઈ જઈ શક્યું હતું.

1990માં આ જ મેદાન પર અનિલ કુંબલેએ કરીઅર શરૂ કરી હતી અને તેના માટે પણ આ સ્થળ યાદગાર બની રહ્યું છે. તેની 619 ટેસ્ટ વિકેટ ભારતના તમામ ટેસ્ટ બોલર્સમાં હાઇએસ્ટ છે અને વિશ્વભરના ટેસ્ટ બોલર્સમાં તે ચોથા નંબરે છે.

ફરી `બૅબી બૉસ' વૈભવ સૂર્યવંશીની વાત પર આવીએ. શનિવાર, ચોથી જુલાઈએ સાંજે 7.00 વાગ્યે મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની બીજી ટી-20માં વૈભવને ઇન્ડિયા કૅપ મળશે અને તે આઇપીએલ જેવા જ ફૉર્મમાં રમીને બ્રિટિશ બોલર્સની ખબર લઈ નાખશે તો મૅન્ચેસ્ટરનું મેદાન ભારતના કરોડો ક્રિકેટચાહકો વર્ષો સુધી નહીં ભૂલે.