Tue Sep 01 2026

Logo

વડોદરા ચાઈલ્ડ હેલ્પલાઈનની મદદથી બિહારની સગીરાનું પરિવાર સાથે મિલન થયું

2026-08-10 17:11:11
Author: Pooja Shah
વડોદરા ચાઈલ્ડ હેલ્પલાઈનની મદદથી બિહારની સગીરાનું પરિવાર સાથે મિલન થયું

અમદાવાદઃ રેલવે પ્રોટેક્શન ફોર્સ, ચાઈલ્ડ હેલ્પલાઈન સહિતની એજન્સીઓના પ્રયાસોથી એક 12-13 વર્ષની સગીરાને તેનો પરિવાર પાછો મળી ગયો હતો. વડોદરામાં રેલવે સ્ટેશન પર એક સગીરા એકલી-અટુલી દેખાઈ રહી હતી. આરપીએફની ટીમે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સગીરા મૂળ બિહારના સમસ્તીપુરની છે અને તેની માતા અને એક અજાણ્યા પુરુષ સાથે વડોદરા આવી હતી. જોકે માતા કિશોરીને કથિત શારીરિક-માનસિક ત્રાસ આપતી હોવાનું તેણે જણાવ્યું હતું. આ સાથે અજાણ્યા પુરુષે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી આથી તે રેલવે સ્ટેશન આવી ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું. 

સ્થાનિક ચાઈલ્ડ હેલ્પલાઈનટીમે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કર્યા બાદ કમિટીનએ તેને અહીં એક સંસ્થામાં આશ્રય આપ્યો હતો. સગીરાએ એમ પણ કહ્યું હતું કે તેણે તેની માતાનું વડોદરાનું ઘર જોયું છે, પરંતુ શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. ત્યારબાદ વડોદરાની ટીમે બિહારની ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમની મદદ લીધી હતી અને સમસ્તીપુરમાં રહેતા તેનાં પરિવારનો સંપર્ક સાધ્યો હતો. પરિવાર 38 કલાકનો પ્રવાસ કરી બિહારથી વડોદરા આવ્યો હતો અને તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ સગીરા તેમને સોંપવામાં આવી હતી. જોકે તેની માતાએ આવું શા માટે કર્યું તે વિશે ખાસ કોઈ માહિતી મળી ન હતી, પરંતુ દીકરીને પાછી હેમખેમ જોઈ પરિવાર ખુશ થઈ ગયો હતો.