Tue Sep 01 2026

Logo

વઢવાણના નગરા ગામે ઉમય નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર યુવકના ડૂબી જવાથી મોત

2026-08-08 17:57:04
Author: Pooja Shah
વઢવાણના નગરા ગામે ઉમય નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર યુવકના ડૂબી જવાથી મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરેન્દ્રનગરઃ
 જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામ નજીક ઉમય નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર યુવકના ડૂબી જવાથી કરુણ મોત નિપજયા હતા.  મૃતક યુવકો રાજસ્થાનથી નગરા ગામ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાં કામ અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનથી આવેલા પાંચ જેટલા યુવક સતત બીજા દિવસે ઉમય નદીમાં નહાવા માટે ગયા હતા. અગાઉના દિવસે પણ તેઓ નદીના પાણીના નજીકના ભાગમાં નહાવા પડ્યા હતા. જોકે, બીજા દિવસે પાંચેય મિત્રો નદીમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે નદીના પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.

પાણી ઊંડું હોવાના કારણે પાંચ પૈકી ચાર યુવક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કાળુરામ નામના એક યુવકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ તંત્ર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એએસપી વૈદિકા બિહાની, વઢવાણ ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડ તેમજ વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એકસાથે ચાર યુવકના મોતથી મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.