Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સ્કાયલેબ સતીશન કેરળના મુખ્યમંત્રી, કૉંગ્રેસે શાણપણ બતાવ્યું

2026-05-15 08:11:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

લાંબી મથામણ પછી અંતે કૉંગ્રેસે કેરળના મુખ્યમંત્રીપદે વી.ડી. સતીશનને બેસાડવાનો નિર્ણય લઈ લીધો. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ડાબેરી મોરચાને પછડાટ આપી પછી મુખ્યમંત્રીપદે કોને બેસાડવા એ માટે કૉંગ્રેસમાં ધમાાસણ મચેલું. બન્યું એવું કે ભાજપ જીત્યો છે એ આસામ, પશ્ચિમ બંગાળમાં તો નવા મુખ્યમંત્રીની તાજપોશી પણ થઈ ગઈ ને નવી સરકારો પણ રચાઈ ગઈ પણ કૉંગ્રેસનો ડખો નહોતો ઉકેલાતો.

તમિલનાડુમાં વિજયની પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહોતી ને ભારે ખેંચતાણ હતી છતાં બધી વાતનો ઉકેલ લાવીને છેવટે વિજયની તાજપોશી પણ થઈ ગઈ જ્યારે કૉંગ્રેસીઓ નામ નક્કી કરવામાં ગોથે ચડી ગયેલા. કૉંગ્રેસે દસ દિવસના ઘમાસાણના અંતે છેવટે સતીશન પર કળશ ઢોળતાં હાલ પૂરતો ડખો તો ઉકેલાયો પણ સતીશન અણધાર્યા આવી પડેલા સ્કાયલેબ જેવા છે તેથી નવા ડખાનાં મંડાણ થયાં હોય એવું લાગી રહ્યું છે. 

આ નવા ડખાનાં મંડાણની આશંકાનું કારણ કૉંગ્રેસની જૂથબંધી છે. કેરળ કૉંગ્રેસમાં જેટલા નેતા એટલાં જૂથ છે. આ કારણે જ સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં કૉંગ્રેસ હાઈકમાન્ડ ગૂંચવાઈ ગયેલું. તેનું કારણ એ હતું કે, કેરળ કૉંગ્રેસમાં ક્ધયા એક ને મુરતિયા ઝાઝા એવી હાલત હતી. આ ગૂંચવાડામાંથી નિકળવા બેઠકો પર બેઠકો થઈ ને છેવટે કે.સી. વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા અને વી. ડી. સતીશનમાંથી કોઈ એક ગાદી પર બેસશે એવું નક્કી થયેલું. 

કેટલેક ઠેકાણે વળી શશિ થરૂરનું નામ પણ ચાલતું હતું પણ થરૂરના નહેરૂ-ગાંધી ખાનદાન અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના મધુર સંબંધોને જોતાં થરૂર તો નહીં જ બેસે એ એકદમ પાકું હતું. બાકી રહેલા ત્રણમાંથી વેણુગોપાલનો ઘોડો વિનમાં લાગતો હતો કેમ કે વેણુગોપાલ રાહુલ ગાંધીના ખાસમખાસ છે. વેણુગોપાલ પણ રાજાપાઠમાં હતા કેમ કે બહુમતી ધારાસભ્યો તેની તરફેણમાં હતા. 

કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 80 ધારાસભ્યોએ કે.સી. વેણુગોપાલની તરફેણ કરેલી જ્યારે વીડી સતીશનને માત્ર 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું એવા રિપોર્ટ આવેલા તેથી વેણુગોપાલની તાજપોશીની ઘડીઓ ગણાવા માંડેલી. મીડિયાએ તો વેણુગોપાલને મુખ્યમંત્રી જાહેર પણ કરી દીધેલા ને ત્યાં અચાનક જ સતીશનનું નામ જાહેર થતાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો.  

વેણુગોપાલનું પત્તું કાપીને સતીશનને ગાદી પર બેસાડવાનો નિર્ણય સતીશને ખેલેલા દાવપેચનું પરિણામ છે. સતીશન ધાર્યા કરતાં વધારે કાબા સાબિત થયા તેમાં કૉંગ્રેસ હાઈકમાન્ડે છેવટે તેમની પસંદગી કરવી પડી છે. કૉંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી તેમાં વેણુગોપાલની તરફેણમાં બહુમતી હતી ને સતીશન માટે બહુ ઉત્સાહ નહોતો. 

સતીશને એ વખતે જ મોટો દાવ ખેલીને ધારાસભ્યોની બેઠક પછી તરત જ ત્રણ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખોએ સતીશનની તરફેણ કરી નાંખેલી. એ પછી કૉંગ્રેસના સાથી પક્ષો એવા મુસ્લિમ લીગ અને  કેરળ કૉંગ્રેસ (જોસેફ)એ સતીશનને મુખ્યમંત્રી બનાવવાની તરફેણ કરતાં કૉંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ પેદા થઈ ગયેલું. સાથી પક્ષોને નારાજ કરવા જતાં નવા ડખા ના થાય એટલે કૉંગ્રેસે વેણુગોપાલના નામની જાહેરાત મોકૂફ રાખેલી. 

એક વાર જાહેરાત મોકૂફ રહી એટલે સતીશને બીજો દાવ ખેલ્યો. સતીશને પોતાના સમર્થકોને આખા કેરળમાં મેદાનમાં ઉતારી દીધા. કૉંગ્રેસના કાર્યકરોએ સતીશનને મુખ્યમંત્રી બનાવવા માટે પ્રિયંકા ગાંધીના મતવિસ્તાર  વાયનાડમાં પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં ખુલ્લી ધમકી અપાયેલી કે, કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવ્યા તો રાહુલ અને પ્રિયંકા વાયનાડને ભૂલી જજો. તમે અહીંથી ફરી જીતી નહીં શકો ને વાયનાડ બીજું અમેઠી બની જશે. એવાં પોસ્ટરો પણ લગાવાયેલાં કે, વેણુગોપાલ ભલે રાહુલ ગાંધીની બેગ ઉંચકીને ફરે પણ વેણુને ગાદી પર બેસાડ્યા તો કેરળની પ્રજા તમને માફ નહીં કરે. 

બીજું પણ ઘણું એવું લખાયેલું કે જેના પરથી સ્પષ્ટ હતું કે, વેણુગોપાલને ગાદી પર બેસાડ્યા તો મજા નહીં આવે ને સતીશનના સમર્થકો ચૂપ નહીં બેસે. કેરળમાં માંડ માંડ સત્તા પાછી આવી છે ત્યાં આ ડખાના કારણે સરકાર જાય એ જોખમ લેવા કૉંગ્રેસ હાઈકમાન્ડ તૈયાર નહોતી તેથી છેવટે કજીયાનું મોં કાળું કરીને સતીશનને પસંદ કરી દીધા. 

એક નેતા તરીકે સતીશન વેણુગોપાલ કરતાં સારી પસંદગી છે તેમાં બેમત નથી. વડસેરી દામોદરન સતીશન કૉંગ્રેસના જૂના જોગી છે અને 2001થી ધારાસભ્ય છે. કોઈ વિવાદમાં પડ્યા નથી ને ક્યાં ખરડાયેલા નથી. 2021માં વિધાનસભાની ચૂંટણી વખતે રમેશ ચેન્નીથલા વિધાનસભા માં વિપક્ષના નેતા હતા પણ પિનારાયી વિજયને કૉંગ્રેસને કારમી હાર આપી પછી ચેન્નીથલાને ખસેડીને સતીશનને વિપક્ષના નેતા બનાવાયેલા. 

સતીશને ગોલ્ડ સ્મગલિંગ કેસથી માંડીને પિનારાયી વિજયનના પરિવાર સહિતના મુદ્દાને આક્રમકતાથી ઉઠાવ્યા તેના કારણે કેરળમાં વિજયન વિરોધી માહોલ પેદા થયો ને ચૂંટણીમાં તેનો લાભ કૉંગ્રેસને મળ્યો. કૉંગ્રેસે વિજયનને ઘરભેગા કર્યા ને તેમાં સૌથી મહત્વની ભૂમિકા  સતીશને ભજવી હતી. સતીશને કૉંગ્રેસી કાર્યકોરોનો ઉત્સાહ ઠંડો ના પડ્યો તેનું બરાબર ધ્યાન રાખ્યું એ જોતાં એ વધારે હકદાર છે. 

વેણુગોપાલ છેલ્લાં કેટલાંક વરસોમાં કૉંગ્રેસમાં ટોચના નેતા તરીકે ઊભર્યા છે તેનું કારણ નહેરૂ-ગાંધી ખાનદાન સાથેની નિકટતા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સતત આગળપાછળ ફર્યા કરતા વેણુગોપાલનો જનાધાર સતીશ જ જેવો નથી. વેણુગોપાલ કેન્દ્રીય રાજકારણમાં વધારે સક્રિય છે તેથી મોટા નેતા લાગે પણ પ્રજા સાથે તેમનો સીધો સંપર્ક નથી. સામે સતીશન પ્રજાની વચ્ચે જ રહ્યા છે તેથી તેમની પસંદગી યોગ્ય છે. 

કૉગ્રેસે વેણુગોપાલને પસંદ નહીં કરીને ભૂતકાળની ભૂલ સુધારી છે. 2018માં કૉંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલોટ એ બે યુવા નેતા મુખ્યમંત્રીપદ માટે પ્રબળ દાવેદાર હતા. તેમને સત્તા સોંપવાના બદલે કૉંગ્રેસે નહેરુ-ગાંધી ખાનદાનના ચાપલૂસ એવા કમલનાથ અને અશોક ગેહલોતને ગાદી સોંપી તેમાં બંને રાજ્યોમાં કૉંગ્રેસનું નામું નંખાઈ ગયું. મધ્ય પ્રદેશમાં તો કૉંગ્રેસની સરકાર સવા વરસમાં જ ઘરભેગી થઈ ગયેલી. કેરળમાં પણ વેણુગોપાલને પસંદ કર્યા હોત તો  એવી સ્થિતિ સર્જાઈ શકી હોત એ જોતાં કૉંગ્રેસ હાઈકમાન્ડે શાણપણ બતાવ્યું. 

વેણુગોપાલ સામે કૉંગ્રેસમાં જ વિરોધ થયેલો ને ઠેર ઠેર વેણુગોપાલને ગાદી પર બેસાડ્યા તો કૉંગ્રેસ કેરળમાં પતી જશે એવાં બેનર લાગ્યાં હતાં. કૉંગ્રેસની નેતાગીરી તેનાથી ડરી ગઈ એ કારણ છે કે બીજું કંઈ કારણ છે તેની કૉંગ્રેસીઓને જ ખબર પણ વેણુગોપાલના બદલે સતીશનના નામ પર મંજૂરીની મહોર વાગી તેમાં કૉંગ્રેસ ફાયદામાં રહેશે. તેના કારણે એવો મેસેજ ગયો છે કે, હવે કૉંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનની ચાપલૂસી કરનારને જ મોટા હોદ્દા મળે એ દિવસો રહ્યા નથી ને જનાધાર ધરાવતા નેતાઓને પસંદ કરાય છે.