- ભરત ભારદ્વાજ
નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરે વેરેલી તબાહી નજરા સામે જ છે ત્યાં હવે આપણે ત્યાં ઉત્તરાખંડમાં પણ એ જ સ્થિતી સર્જાઈ રહી છે. ઉત્તરાખંડમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે તેથી નદીઓમાં પૂર આવ્યાં છે અને ભેખડો તૂટી રહી છે. રાજ્યના મોટા ભાગના રસ્તા બંધ છે અને લોકો પણ મરી રહ્યાં છે. નેશનલ હાઈવે સુધ્ધાં બંધ કરી દેવા પડ્યા છે તેના પરથી જ સ્થિતિ કેટલી ખરાબ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. સત્તાવાર રીતે 12 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાયું છે પણ ઘણા વિસ્તારો સાથે સંપર્ક જ નથી. પહાડોની ઉપર વસેલાં નાનાં નાનાં ગામડાંમાં શું સ્થિતિ છે તેની કોઈને ખબર જ નથી તેથી મોતનો આંકડો મોટો હોઈ શકે છે.
વરસાદ બંધ થશે પછી જ કેટલાં મર્યાં ને કેટલું નુકસાન થયું તેની ખબર પડશે પણ આ તબાહી ભવિષ્યમાં ઉત્તરાખંડમાં પણ નેપાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેનું ટ્રેલર છે. ઉત્તરાખંડ હિમાલયમાં વસેલું છે તેથી ભારે વરસાદ નવી વાત નથી ને એ મોટી સમસ્યા પણ નથી. મોટી સમસ્યા ભારે વરસાદના કારણે સર્જાઈ રહેલી તબાહી છે. આ તબાહી કેમ થઈ રહી છે એ વિશે વિચારવાની જરૂર છે, તેનાં કારણો સમજવાની જરૂર છે અને તેનો ઉકેલ લાવવાની પણ જરૂર છે. નહિંતર ભવિષ્યમાં ઉત્તરાખંડમાં કદી કલ્પના પણ નહીં કરી હોય એવો વિનાશ થઈ જશે. આ વિનાશની લપેટમાં ઉત્તરાખંડની નીચેના વિસ્તારો પણ આવી જશે.
ઉત્તરાખંડની દુર્દશા માટે આડેધડ બાંધકામો જવાબદાર છે. ઉત્તરાખંડના પહાડો નક્કર નથી પણ માટીના બનેલા છે તેથી બરફ પિગળે ત્યારે માટી ધોવાય છે. માટી ધોવાય નહીં એટલે તેને બાંધી રાખવી જરૂરી છે પણ ખોદકામ થાય એટલે માટી બંધાયેલી રહેતી નથી. વર્ષોથી ચાલતા ક્ધસ્ટ્રક્શન અને કહેવાતાં વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન થાય છે ને પોલાણ થાય છે. તેના પરિણામે જમીન ધસી પડવાની ઘટનાઓ વધતી જ જાય છે. બાંધકામોના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેથી હિમશીલાઓ અને હિમનદીઓ પિગળવાનું પ્રમાણ પણ વધતાં નદીઓમાં પૂરની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરાખંડમાં વાદળો ફાટવાની ઘટનાઓ પણ વધી છે તેથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી જાય એવું પણ બને છે.
ઉત્તરાખંડમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે કેમ કે યાત્રાળુઓનો પ્રવાહ વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં હિંદુઓ માટે પવિત્ર મનાતાં ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આવેલાં છે. આ સિવાય શીખોનું પવિત્ર યાત્રાધામ હેમકુંડ સાહિબ પણ ઉત્તરાખંડમાં છે તેથી શ્રદ્ધાળુઓ તો મોટી સંખ્યામાં આવે જ છે પણ દર્શનની સાથે સાથે વેકેશન માણવા માટે આવનારા પણ મોટી સંખ્યામાં આવે છે.
અડધા ઉત્તરાખંડમાં ચોતરફ બરફ જ બરફ છે તેથી સ્કીઈંગના શોખીનો પણ આવે છે. ઘણા વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય પણ જળવાયેલું છે તેથી કુદરતનો નજારો માણવા પણ લોકો આવે છે. ઉત્તરાખંડમાંથી ગંગા, યમુના સહિતની નદીઓ નિકળે છે.
હિમાલયમાં ઉપરથી આવતી આ નદીઓના ધસમસતા પ્રવાહો રાફ્ટિંગનો રોમાંચ એનોખો હોય છે તેથી રાફ્ટિંગ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પ્રવાહ ચોમાસામાં બે-ત્રણ મહિનાને બાદ કરતાં બાકીના મહિનાઓમાં ચાલુ જ હોય છે.
વચ્ચે વચ્ચે ભારે પૂર ભૂસ્ખલન વગેરેના કારણે હોનારતો બન્યા કરે છે તેના કારણે લોકોના જીવ પણ જાય છે છતાં લોકોનો ઉત્સાહ ઘટતો નથી. ઉત્તરાખંડમાં ખાલી શ્રદ્ધાળુઓના આંકડા પર જ નજર નાંખશો તો આ વાત સમજાશે. ઓગસ્ટમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે 2.31 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામનાં દર્શન કર્યાં જ્યારે શીખોના પવિત્ર યાત્રાધામ હેમકુંડ સાહિબમાં ઓગસ્ટ 2026માં રેકોર્ડ 68 હજાર જેટલા શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આ પાંચ યાત્રાધામમાં જ મહિનામાં 3 લાખ કરતાં વધારે યાત્રાળુ ઊમટી પડ્યાં જ્યારે બીજા પ્રવાસીઓ તો અલગ.
આ લોકોની સવલતો સાચવવા માટે ઊભાં થયેલાં બાંધકામોના કારણે પહાડી વિસ્તારોની જમીનનું સંતુલન ખોરવાયું છે અને જમીનો પોચી પડી છે તેથી છાસવારે ભૂસ્ખલન થાય છે. ભૂસ્ખલન વધ્યું તેના માટે પાણી પણ જવાબદાર છે. સતત પાણી પડે એટલે ગમે તેવો પથ્થરનો પહાડ પણ પોચો પડીને તૂટવા માંડે ત્યારે અહીં તો જમીન છે તેથી ભેખડો ધસવાની જ. ભેખડો ધસે ત્યારે વધારે વરસાદના કારણે એવું થયું એમ કહીને હાથ ખંખેરી નંખાય છે પણ વાસ્તવમાં હિમનદીઓ એટલે કે ગ્લેશિયર ઝડપથી ઓગળી રહી છે એ પણ કારણ છે.
આપણે બાંધકામોના કારણે થતા ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ પણ પેટ્રોલ-ડીઝલના ધુમાડાની વાત કરતા નથી. ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા ચાલે છે પણ હેલિકોપ્ટર સેવા બધાંને ના પરવડે. મોટા ભાગના શ્રદ્ધાળુ તો રોડના રસ્તે જ આવતા હોય છે તેથી તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભારે ધુમાડા થાય છે, કાર્બનનું પ્રમાણ વધે છે તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. આમ હિમનદીઓ બંને બાજુથી ગરમીનો માર સહન કરી રહી છે. બાંધકામો અને વાહનોના ધુમાડાના કારણે પેદા થતી ગરમીના કારણે હિમનદીઓ ઓગળી રહી છે તેમાં નદીઓમાં પાણી વધે છે ને પૂર આવે છે. પૂર આવે એટલે ભેથડો ધસે છે ને તેમાં લોકો મરે છે.
લોકોને મરતાં રોકવાં હોય ને ઉત્તરાખંડને સાવ તબાહ થતું પણ રોકવું હોય તો સરકારે થોડાં પગલાં લેવાં પડે. સૌથી પહેલાં તો નવાં બાંધકામો પર પ્રતિબંધ મૂકવો પડે. બીજું શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા પર નિયંત્રણ મૂકવું પડે. સરકાર ચાર ધામ યાત્રા કે હેમકુંડ સાહિબ માટે નક્કી કરેલી સંખ્યામાં જ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન કરે ને બહારથી આવતાં વાહનો પર પ્રતિબંધ મૂકે તો ચોક્કસ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરી શકાય. ચાર ધામ યાત્રા કે હેમકુંડ સાહિબની યાત્રાએ લોકો વારંવાર જાય છે. અમુક લોકો દર વરસે જતાં હોય છે. એક વાર દર્શન કરે તેને ફરી મંજૂરી નહીં આપીને નવા શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શનનો લહાવો અપાવાની નીતિથી કોઈને અસંતોષ પણ નહીં થાય ને ધસારો પણ ઘટી જશે. સરકારે બહારનાં વાહનોને બદલે મજબૂત સરકારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઊભી કરે તો પણ ફરક પડે.
આ પગલાં સરળ છે પણ એ લેવા માટે જરૂરી રાજકીય ઈચ્છાશક્તિ શાસકો પાસે નથી. ઉત્તરાખંડમાં થતાં મોટા ભાગનાં બાંધકામો સાથે નેતાઓ સંકળાયેલા છે. કાં નેતાઓ પોતે માલિક કે ભાગીદાર હોય કે પછી કોન્ટ્રાક્ટર હોય છે તેથી તેમને કશું કરવામાં રસ નથી. ભેખડો ધસે કે પૂર આવે તેના કારણે લોકો મરતાં હોય તો ભલે મરે, આપણાં ખિસ્સાં ભરાવાં જોઈએ. આ માનસિકતા કદી નહીં બદલાય એ જોતાં ઉત્તરાખંડમાં સ્થિતિ બદથી બદતર જ થવાની છે.