Wed Jun 17 2026

Logo

ભારત બાદ યુએસએ અન્ય દેશોને પણ રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા મંજુરી આપી

Wasington D.C.   2026-03-13 09:57:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: યુએસ દુનિયાભરના દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યું છે, યુએસ સાથે વેપાર કરાર કરવા માટે ભારત પણ રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે યુએસએ 5 માર્ચે ભારતને 30 દિવસની છૂટ આપી હતી, એવામાં યુએસે વધુ કેટલાક દેશોને રશિયન પેટ્રોલિયમ ખરીદવા મંજૂરી આપી છે.

અહેવાલ મુજબ પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે ખોરવાયેલા વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર કરવા માટે યુએસએ કેટલાક દેશોને 30 દિવસ માટે, હાલમાં સમુદ્રમાં ફસાયેલા રશિયન પેટ્રોલિયમ ખરીદવા માટે મંજૂરી આપી છે.
 
ઈરાન પર દોષનું ટોપલું ઢોળ્યું:
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વૈશ્વિક ઉર્જા બજારોમાં સ્થિરતા લાવવા નિર્ણાયક પગલાં લઈ રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ લખ્યું, "ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા જોખમ અને અસ્થિરતાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમની કિંમતો ઓછી રાખવા માટે રાષ્ટ્રપતિ કામ કરી રહ્યા છે.”

રશિયન સરકારને કોઈ ફાયદો નહીં થાય:
ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ લખ્યું, "હાલના પુરવઠાની વૈશ્વિક પહોંચ વધારવા માટે, યુએસ ટ્રેઝરીએ હાલમાં સમુદ્રમાં ફસાયેલા રશિયન પેટ્રોલિયમ ખરીદવા માટે કેટલાક દેશોને કામચલાઉ પરવાનગી આપી છે. આ ટૂંકા ગાળાની મંજુરી ફક્ત પરિવહનમાં રહેલા પેટ્રોલિયમ પર જ લાગુ પડે છે, જેથી રશિયન સરકારને કોઈ નોંધપાત્ર નાણાકીય લાભ નહીં થાય.”

પોસ્ટમાં લખવામાં આવ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉર્જને પ્રોત્સાહન આપનારી નીતિઓએ યુ.એસ. ઓઈલ અને ગેસ ઉત્પાદનને રેકોર્ડ સ્તરે પહોંચાડ્યું છે, જેના કારણે મહેનતુ અમેરિકનો માટે ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલિયમના ભાવમાં કામચલાઉ વધારો ટૂંકા ગાળાનો અને કામચલાઉ વિક્ષેપ છે, લાંબા ગાળે આપણા દેશ અને અર્થતંત્રને મોટો ફાયદો થશે."